સુરત : રાજ્યનું સૌથી મોટું ગેસ સિલિન્ડર રિફિલિંગ કૌભાંડ સુરત જિલ્લામાંથી ઝડપાયું છે. ઓલપાડના માસમા ગામની સીમમાં ઘરેલુ વપરાશના ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદે નાના સિલિન્ડરમાં ગેસ રિફિલ કરવાના કૌભાંડનો જિલ્લા LCB અને ઓલપાડ પોલીસે સંયુક્ત રીતે પર્દાફાશ કર્યો છે. 16 કિલોના બાટલામાંથી ગેસ કાઢી અન્ય સિલિન્ડરમાં ભરી વેચી મારવાના કૌભાંડમાં 28 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીની ધરપકડ કરી અન્ય 8 શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે.
ગેસચોરીનું રેકેટ : સરકાર દ્વારા ગરીબ, મધ્યમ વર્ગ સહિતના પરિવારના લોકોને ફાયદો પહોંચે અને આર્થિક બચત થાય એવા ઘણા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઘરેલુ ગેસ સિલિન્ડર હવે દરેક વર્ગની જરૂરિયાત બની ચૂકી છે. ખાસ ગેસ સિલિન્ડર પર સબસીડી પણ આપવામાં આવી રહી છે. પરંતુ બે નંબરીયા ધંધાદારીઓ હરહમેંશાની જેમ કાળા બજારી કરી વધુ પૈસા કમાવાનો રસ્તો શોધી કાઢતા હોય છે. ત્યારે હવે ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદેસર રિફીલિંગનું કૌભાંડ સુરત જિલ્લા પોલીસે ઝડપી પાડ્યું છે.
887 જેટલા ખાલી અને ભરેલા નાના-મોટા ગેસના સિલિન્ડર, 4 જેટલી ગેસ રિફિલ કરવાની પિન, 2 વજન કાંટા તેમજ એજન્સીના 9 જેટલા વાહનો મળી 28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. -- નિધિ ઠાકુર (DySP, સુરત ગ્રામ્ય પોલીસ)
આવી રીતે કરતાં કાંડ : સુરત ગ્રામ્ય LCB અને ઓલપાડ પોલીસે સંયુક્ત રીતે ઓલપાડના માસમા ગામમાં દરોડા પાડ્યા હતા. ઇન્ડિયન ગેસ એજન્સી ધરાવતા પિંકી ગેસ એજન્સીમાં દરોડા દરમિયાન ગેસ એજન્સીના માણસો ઘરેલુ વપરાશના સીલપેક સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરી રહ્યા હતા. ઇન્ડિયન ગેસના 16 કિલોના દરેક સિલિન્ડરમાંથી એજન્સીના માણસો દોઢથી 2 કિલો ગેસ કાઢી ખાલી સિલિન્ડરમાં ભરી દેતા હતા. બાદમાં ફરી સીલ પેક કરી વેચાણ કરી દેતા હતા. ત્યારે પોલીસે દરોડા પાડતા રાજ્યના સૌથી મોટા ગેસ રિફીલિંગ રેકેટનો પર્દાફાશ થયો છે.
ચાર આરોપી ઝડપાયા : પોલીસની ટીમે સ્થળ પરથી મહિપાલ ખીચડ, પરમારામ ભાદું, સુનિલ બરડ અને સુરેન્દ્ર નેતારામ ડારાને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે પિન્કી ગેસ એજન્સીના માલિક જયશ્રીબેન આર.ગામીત, એજન્સીના માલિક મનોજભાઈ આર.ગામીત, ગોડાઉનનું સંચાલન કરનાર પરેશભાઈ શાંતિલાલ પટેલ સહિત અન્ય લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
પોલીસ કાર્યવાહી : પોલીસ ટીમે સ્થળ પરથી એજન્સીના માણસોની અટકાયત કરી હતી. સુરત ગ્રામ્ય DYSP નિધિ ઠાકુરે જણાવ્યું હતું કે, 887 જેટલા ખાલી અને ભરેલા નાના-મોટા ગેસના સિલિન્ડર, 4 જેટલી ગેસ રિફિલ કરવાની પિન, 2 વજન કાંટા તેમજ એજન્સીના 9 જેટલા વાહનો મળી 28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ રેડમાં ગેરકાયદેસરની ગુનાહિત પ્રવૃત્તિ કરતાં કુલ ચાર આરોપી પકડાયા અને જિલ્લા પોલીસ દ્વારા અન્ય 8 ને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.