સુરત: વિશ્વવ્યાપી કોરોના વાયરસના કારણે સુરત જિલ્લા કોર્ટમાં સાવચેતી અને અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. ચીન સહિત સમગ્ર દેશભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના પગલે સુરત જિલ્લા કોર્ટમાં મહત્વના કેસો સિવાય અન્ય કેસો માટે આવતા પક્ષકારોને કોર્ટમાં આવવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. આ સિવાય કોર્ટમાં આવેલા હોટેલ, રેસ્ટોરન્ટ સહિત લાઈબ્રેરી પણ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. જ્યારે અતિ મહત્વના કેસોના ટ્રાયલ દરમિયાન આરોપીને જેલમાંથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જુબાની લેવામાં આવશે.
આ સાથે બાર. એસોસિએશન દ્વારા પોલીસ કમિશ્નરને અપીલ કરવામાં આવી છે કે, હાલ પૂરતા ટ્રાફિકના મેમો આપવાની કામગીરી બંધ કરવામાં આવે. કારણ કે, પોલીસ દ્વારા મોટી સંખ્યામાં કોર્ટ મેમો આપવામાં આવતા હોવાથી લોકોની ભીડ કોર્ટમાં થઇ શકે છે.
કોરોના વાયરસની ગંભીરતાને લઇને કોર્ટમાં આવતા તમામ પક્ષકારો અઠવા અસિલોએ પોતાના વકીલની સલાહ અને સૂચનો લેવા અંગે પણ બાર. એસોસિએશન અને સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે. જે પક્ષકારો અસિલોની મુદ્દત હશે, તેની તારીખ પોતાના વકીલ પાસેથી મેળવી લેવાની રહેશે.
વિશ્વ વ્યાપી કોરોના વાયરસની ગંભીરતાને જોઇ કોર્ટ બિલ્ડિંગમાં આવેલા રેસ્ટોરન્ટ, હોટેલ તેમજ લાઇબ્રેરી પણ 31 માર્ચ સુધી બંધ કરવામાં આવી છે. આ સાથે જ કોર્ટ બિલ્ડિંગમાં સાવચેતીના ભાગરુપે સેનેટાઇઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.