સુરત: જિલ્લામાં સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે. સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓલપાડ તાલુકાના 27 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ સુરત જિલ્લા કલેકટર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કર્યો છે.ઓલપાડ મામલતદાર દભારી દરિયા કિનારાની મુલાકાત કરી હતી.
અવર જવર બંધ: સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં બિપર જોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. તંત્ર દ્વારા તમામ પ્રકારના સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના 27 જેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ ઓલપાડ તાલુકાના ડભારી દરિયા કિનારે લોકોની અવર જવર બંધ કરાવી દેવામાં આવી છે. ડભારી દરિયા કિનારે આવેલ દુકાનો પણ બંધ કરાવી દીધી છે.
"સુરત જિલ્લાના તમામ અધિકારી-કર્મચારીશ્રીઓને પુર્વ મંજુરી સિવાય હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કર્યો છે. તેમજ કચેરીમાં હાજર રહેવા જણાવ્યું છે. તબીબી કારણોસર મંજુર થયેલ રજા સિવાય અન્ય તમામ કર્મચારીઓની રજા રદ કરી તેઓને હાજર થવા જણાવ્યું છે". (બી.કે. વસાવા)ઈ.જિલ્લા કલેકટર
વહીવટી તંત્ર સજ્જ: દરિયા કિનારે કોઈ આવે નહિ તે માટે પોલીસ મૂકી દેવામાં આવી છે.ત્યારે ઓલપાડ તાલુકા મામલતદાર અને ટીડીઓની ટીમે ડભારી દરિયા કિનારાની મુલાકાત કરી હતી. હાલ ડભારી દરિયામાં થોડો કરંટ જોવા મળી રહ્યો છે. કોઈ પણ પરિસ્થિતિ ને પહોંચી વળવા સુરત જિલ્લા વહીવટી તંત્ર સજ્જ હોવાનું જાણવા મળ્યુ હતુ.સુરત જિલ્લાના અધિકારી-કર્મચારી હેડ ક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરનો આદેશ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં સંભવિત વાવાઝોડા બિપરજોય ત્રાટકવા અંગે આગાહી કરવામાં આવી છે.