સુરત : સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં કાકા સસરાની હત્યા જમાઈ દ્વારા કરવામાં આવી છે. માત્ર 1000 રૂપિયા માટે થયેલ વિવાદના કારણે કાકા સસરાને ખેતરમાં લઈ જઈ જમાઈએ હત્યા કરી દીધી હતી. આરોપી સુનિલે આ અંગે ઘરે જઈ પત્ની ગીરજા દેવી અને અન્ય સંબંધીઓને જાણ પણ કરી હતી. જેથી તમામ લોકો ખેતરમાં દોડી આવ્યા હતાં.
ખેતરમાં દોડી ગયાં સંબંધીઓ : ખેતરમાં દોડી આવેલા આરોપીની પત્ની અને સંબંધીઓએ જોયું હતું કે તેમ કાકા સસરા છોટુ રાઠોડ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતાં. જેથી તમામ લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને છોટુ રાઠોડને તાત્કાલિક સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરોએ છોટુ રાઠોડને મૃત જાહેર કર્યા હતાં. આ સમગ્ર મામલે ગોડાદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગોડાદરા વિસ્તારના મધુ મથુરાનગર સોસાયટીમાં રહેતા છોટુ રાઠોડ પાસેથી તેમના પરિચિત અને દૂરના જમાઈ સુનિલ રાઠોડે હજાર રૂપિયાની માંગણી કરી હતી. 1000 રૂપિયા આપવાની છોટુએ ના પાડી દીધી હતી. જેનું વેર રાખીને મોડી રાત્રિના સમયે સુનીલ રાઠોડે છોટુ રાઠોડને મથુરાનગરની નજીક આવેલા એક ખેતરમાં લઈ ગયો હતો અને ત્યાં તેને લોખંડના તાર વડે તેને મોતને ઘાટ ઉતારીને નાસી ગયો હતો...ભગીરથ ગઢવી ( ડીસીપી )
આરોપીની ધરપકડ : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે ગોડાદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. હત્યા કરી નાસી ગયેલા આરોપી સુનિલ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક 33 વર્ષીય છોટુ કેલાશીરામ રાઠોડ ઓનલાઇન પાર્સલ ડિલિવરીનું કામ કરતો હતો અને તેના ઘર નજીક જ આરોપી સુનિલ રાઠોડ પણ મજૂરી કામ કરે છે.