સુરત : સુરત શહેરમાં આવેલા નારી સંરક્ષણગૃહમાંથી બે યુવતીઓ ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે. બાંગ્લાદેશથી ભારતમાં લવાયેલી અને દેહ વ્યાપાર કરાવાતી બંને યુવતીઓને પોલીસે સ્પામાંથી મુક્ત કરાવી સુરત નારી સંરક્ષણ ગૃહમાં મૂકી હતી. જો કે બંને યુવતીઓ ગ્રીલમાંથી નીકળીને ફરાર થઇ જતી હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે
ગ્રીલમાંથી નીકળી ફરાર : બાંગ્લાદેશથી ગેરકાયદે ભારતમાં લાવી યુવતીઓ પાસે સ્પામાં દેહવ્યાપાર કરાવાતો હતો. દરમ્યાન પોલીસે બે બાંગ્લાદેશી યુવતીઓને મુક્ત કરાવી સુરતના નારી સંરક્ષણગૃહમાં મૂકી હતી. આ દરમ્યાન અહીંથી બે યુવતીઓ ફરાર થઇ ગઇ હતી. બંને યુવતીઓ નારી સંરક્ષણ ગૃહમાંથી ભાગતી હોય તે પ્રકારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સ્પષ્ટપણે જોવા મળે છે કે કઈ રીતે આ બંને યુવતીઓ ગ્રીલમાંથી નીકળી ફરાર થઈ જાય છે.
ખાસ કરીને નારી સંરક્ષણ ગૃહ નજીક જે પણ સીસીટીવી કેમેરા લાગ્યા છે તેની તપાસ અમે કરી રહ્યા છે. સાથે નારી સંરક્ષણ ગૃહમાં જે અન્ય યુવતીઓ અને મહિલાઓ છે તેમની સાથે આ મહિલાઓ શું વાતચીત કરતી હતી તે અંગેની પણ અમે તપાસ કરી રહ્યા છે અને નિવેદન પણ લઈ રહ્યા છે...એ.કે.રાજપૂત( ઉમરા પોલીસ મથક ઇન્સ્પેક્ટર)
બાંગ્લાદેશ પરત મોકલાય તે પહેલાં ફરાર : વધુમાં મળતી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નારી સંરક્ષણ ગૃહમાં યુવતીઓને પહેલા માળે રાખવામાં આવે છે અને ભોજનના સમયે અન્ય રૂમમાં લઇ જવામાં આવે છે. દરમ્યાન આ બંને યુવતીઓએ સવારે નાસ્તો કર્યો હોઇ ભૂખ ન હોવાનું જણાવ્યું હતું. જયારે અન્ય યુવતીઓ અને કર્મચારીઓ જમીને પરત આવ્યા ત્યારે આ બંને યુવતીઓ ગાયબ હતી. ભારે શોધખોળ બાદ પણ યુવતીઓનો ક્યાય પતો લાગ્યો ન હતો. દરમ્યાન અહી લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવતા બંને યુવતીઓ પાછળની ગ્રીલમાંથી નીકળીને ફરાર થઇ જતી દેખાય છે. બાંગ્લાદેશ મોકલાય તે પહેલાં જ યુવતીઓ અહીંથી ફરાર થઇ જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ઉમરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રેલવે અને બસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજની તપાસ : ઉમરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એ.કે.રાજપૂતે જણાવ્યું હતું કે, ગત માર્ચ મહિનામાં કડોદરા પોલીસે માર્ચ મહિનામાં અને વરાછા પોલીસે મેં મહિનામાંથી સ્પામાંથી બંને યુવતીઓને મુક્ત કરાવી હતી અને સુરત નારી સંરક્ષણ ગૃહમાં મૂકી હતી. દરમ્યાન આ બંને યુવતીઓ ભાગી જતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. રેલવે અને બસ સ્ટેશન સહિત નજીકના વિસ્તારોની તપાસ હાથ ધરવામાં આવી છે.