બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામના સંસ્કાર વિદ્યાસંકૂલમાં આવેલી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના શંકાસ્પદ મોતમાં નવો ખુલાસો થયો છે. જેમાં વિદ્યાર્થિનીએ કોલેજની આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. કોલેજની શિક્ષિકા અને આચાર્ય દ્વારા વિદ્યાર્થિનીએ પર ચોરીનો આરોપ મૂકવામાં આવતા તેણીએ આત્મહત્યા કરી હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યુ હતું. પોલીસે શિક્ષિકા અને આચાર્ય વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
કોલેજમાંથી પહેલા ખેંચ આવી હોવાનું જણાવાયું : બારડોલી તાલુકાનાં જૂની કીકવાડ ગામે રહેતી સોનલ જીતેશ ચૌધરી (ઉ.વર્ષ 20) સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર ખાતે સંસ્કાર વિદ્યાસંકૂલમાં આવેલી આર.એમ. ભાદરકા નર્સિંગ કોલેજમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. ગત શનિવારના એટલે 24મી જૂનના રોજ સોનલને ખેંચ આવતા નીચે પડી ગઈ હોઇ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું કોલેજ સ્ટાફે પરિવારજનોને ફોન કરીને જણાવ્યુ હતું. આથી પરિવારના સભ્યો હોસ્પિટલ પર પહોંચ્યા તો યુવતી મૃત હાલતમાં હતી અને તબીબી રિપોર્ટમાં તેણીને પગ અને કમરમાં ફ્રેકચર હોવાનું સામે આવ્યું હતુ.
સાચી હકીકત અંગે પૂછતા કોલેજ સ્ટાફ પલાયન થઈ ગયો : સાચી હકીકત અંગે પરિવારજનોએ કોલેજ સ્ટાફને પૃચ્છા કરતાં સ્ટાફ સ્થળ પરથી પલાયન થઈ ગયો હતો. આથી પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા હતાં. કોલેજના શિક્ષિકા અને આચાર્ય દ્વારા હેરાન કરવામાં આવતા હોવાના તેમજ ચોરીનું આળ મૂકવામાં આવ્યું હોઇ ટેન્શનમાં આવીને તેણીએ આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યા હતાં.
મૃતક વિદ્યાર્થિનીની સહપાઠીએ હકીકત જણાવી : જે તે સમયે પોલીસે અકસ્માત મોતની ફરિયાદ લીધા બાદ વિદ્યાર્થિનીઓ અને સ્ટાફના નિવેદનો લેવાની શરૂઆત કરી હતી. આ દરમ્યાન મૃતક વિદ્યાર્થિનીની સાથે રહેતી વિદ્યાર્થિનીએ પરિવારજનોએ ફોન પર વાત કરતાં સમગ્ર હકીકત સામે આવી હતી. જેમાં સોનલ સાથે થયેલી વાતચીત જણાવી હતી.
ચોરીની કબૂલાત કરવા દબાણ : સહપાઠીએ જણાવ્યુ હતું કે, ગત 24મીના રોજ સવારે 9 વાગ્યે કોલેજની શિક્ષિકા હિના બારિયાએ સોનલને ફોન કરી આચાર્ય આકાશભાઈની ઓફિસમાં બોલાવી હતી. જ્યાં સોનલ સાથે બનેલી સમગ્ર ઘટના તેને જણાવી હતી. સોનલે જણાવ્યુ હતું કે, હિના બારિયા ખોટી રીતે તેના પર ચોરીનો આરોપ લગાવે છે. હિનાએ સોનલ પર રૂપિયા ચોરી કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. રૂપિયા નહીં આપે તો ક્લાસમાં જાહેરાત કરવાની તેમજ હોસ્ટેલમાંથી કાઢી નાખવાની ધમકી આપી હતી. આચાર્ય આકાશે પણ ચોરીના રૂપિયા નહીં આપે તો કોલેજમાંથી કાઢી મૂકવાની ધમકી આપી ચોરીની કબૂલાત કરવા જણાવ્યુ હતું.
સમગ્ર મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. પરિવારજનોની ફરિયાદને આધારે આચાર્ય અને શિક્ષિકા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી બંનેની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસે સ્યૂસાઇડ નોટ પણ કબ્જે કરી છે. સમગ્ર પ્રકરણની તપાસ બારડોલી ડીવાયએસપીની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે...હિતેશ જોયસર(સુરત જિલ્લા પોલીસ વડા)
શિક્ષિકા અને આચાર્ય વિરુદ્ધ ગુનો નોંધાયો : ચોરીના આરોપને કારણે જ સોનલે આત્મહત્યા કરી હોવાનું પોલીસને જણાવ્યુ હતું. પોલીસે મૃતક સોનલના ભાઈ વિકાસ જીતેશ ચૌધરીની ફરિયાદના આધારે આચાર્ય આકાશભાઈ અને શિક્ષિકા હિના બારિયા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.