સુરત : અન્ય ધર્મના યુવકે અમરોલી વિસ્તારમાં યુવતીને પહેલા પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ દુષ્કર્મ આચરી 14 લાખ રૂપિયા પડાવ્યા હતા. યુવતીને અલગ અલગ હોટલોમાં લઈ જઈ આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી તેને રાજસ્થાન લઈ ગયો હતો અને ફરિયાદના આધારે આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
ઇરફાન નામના આરોપીએ વર્ષ 2022માં યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેને સુરત સહિત અન્ય શહેરો અને રાજસ્થાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે યુવતીએ પોલીસને સમગ્ર બાબતે જાણ કરી હતી. જેથી પોલીસે આરોપીની રાજસ્થાન ધરપકડ કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે...આર. પી. ઝાલા (એસીપી, સુરત પોલીસ)
શું છે મામલો : સુરત શહેરના અમરોલી કોસાડ ગામે રહેતા આરોપી ઇરફાન સિંધીએ 2022માં યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ યુવતી પાસેથી 14 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી. એટલું જ નહીં, આરોપીએ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને અલગ અલગ હોટલ અને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પ્રેમજાળમાં ફસાવી આરોપી ઈરફાને 26 ઓગસ્ટના રોજ 20 વર્ષે યુવતીને પહેલા મહેસાણા લઈ ગયો હતો અને ત્યારબાદ પોતાના ભાઈની સાસરીમાં યુવતીને લઈ રોકાયો હતો.
અમરોલી પોલીસ રાજસ્થાન પહોંચી : આરોપી ત્યારબાદ યુવતીને લઈ રાજસ્થાનના હોટલમાં રોકાયો હતો આખરે આ અંગે અમરોલી પોલીસને માહિતી મળી હતી અને પોલીસની એક ટીમ રાજસ્થાન રવાના થઈ હતી અને યુવતીને આરોપીના સકંજામાંથી પોલીસે છોડાવી લીધી હતી. 22 વર્ષીય આરોપી ઇરફાન સિંધી વિરુદ્ધ પોલીસે બળાત્કાર અને ધમકીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહીએ હાથ ધરી છે.
માતાના બેન્ક એકાઉન્ટમાંથી રુપિયા કઢાવ્યાં : યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે આરોપીએ તેની પાસેથી 14 લાખ રૂપિયા ટુકડે ટુકડે લીધા હતા. જ્યારે આ અંગે પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી ત્યારે તેને જણાવ્યું હતું કે તેણેે આ રકમ બુલેટ બાઈક અને બોરિંગ મશીન તેમજ ઘર બનાવવા માટે વાપરી નાખ્યા છે. યુવતી પોતાની માતાના બેન્ક એકાઉન્ટમાંથી વારંવાર પૈસા કાઢી આરોપીને આપતી હતી. માતાની બેંક સંબંધિત કામકાજ આવડતું ન હોવાથી તે તમામ કાગળ પોતાની દીકરીને આપતી હતી.