સુરત : માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં આવેલ પરમસુખ હનુમાનજી મંદિરના કમ્પાઉન્ડની ખુલ્લી જગ્યામાં એક યુવકની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી મૃતકને કોઈ બોથડ પ્રદાર્થ મોંના ભાગે મારી જીવલેણ ઈજા પહોંચાડી હત્યા કરી હોવાનું પીએમમાં સામે આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મંદિરના કમ્પાઉન્ડમાં મળી લાશ : માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં પરમસુખ હનુમાનજી મંદિરના કમ્પાઉન્ડમાં અજાણ્યા ઈસમની લોહીલુહાણ લાશ મળી હતી. ઘટનાની મંદિરના પુજારી જાણ થતાં સુરેન્દ્રસિંહ યાદવ પણ ત્યાં આવી પહોંચ્યા હતાં. તેમણે આ ઘટનાની જાણ કોસંબા પોલીસને કરી હતી. કોસંબા પોલીસે આવીને જોતા મૃતના માથાના ડાબી બાજુથી લોહી નીકળતું હતું. તેમજ જમણા નાક અને કાનમાંથી લોહી નીકળતું હતું. શરીર પર ઘસરકાના નિશાન હતાં. પોલીસે હત્યાની આશંકાએ મૃતકની ડેડબોડી પીએમ કરાવવા માટે ખસેડી હતી.
હાલ મંદિરના પુજારીએ ફરિયાદ નોંધાવી છે. હાલ આજુબાજુ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે. સુરત ગ્રામ્ય એલસીબી પણ તપાસ કરી રહી છે. હાલ આસપાસના લોકોની પૂછપરછ કરાઈ રહી છે...જે. એ. બારોટ (પીઆઈ, કોસંબા પોલીસ મથક)
મૃતકની ઓળખ : મૃતકના પેન્ટના ખિસ્સામાંથી તેમાંથી તેનો આધારકાર્ડ ચૂંટણી કાર્ડ અને પાનકાર્ડ મળી આવ્યા હતા. જેના પરથી તેની ઓળખ બાસુદેવ શા મંગારાજ શાહુ હોવાનું જણાય આવ્યું હતું. જે મૂળ છત્રપુર ગંજામ ઓરિસ્સાનો 44 વર્ષનો હોવાનું આધારકાર્ડ પરથી જાણવા મળ્યું હતું. પોલીસે તેના જાણીતા અને વાલીવારસોની આધારકાર્ડ પાનકાર્ડ અને ચૂંટણી કાર્ડ પરથી તપાસ કરતાં કોઈ વાલીવારસ મળી આવ્યો ન હતો.
માંગરોળમાં ગયે મહિને પણ હત્યાનો બનાવ : અન્ય બનાવની વાત કરીએ તો ગત જુલાઇ મહિનામાં માંગરોળના ઉમેલાવ ગામે હત્યાની ઘટના બનવા પામી છે. ગામમાં આવેલી જુની બંધ પ્રાથમિક શાળાના રૂમમાં બે મિત્રો વચ્ચે અપશબ્દો બોલવા બાબતે બંને મિત્રો વચ્ચે બોલાચાલી થઇ હતી. મુકેશ ઉર્ફે ટીનકાએ મિત્ર નરેશ વસાવાને અપશબ્દો બોલી રહ્યો હતો. જેને લઇને નરેશ વસાવાએ મુકેશને ગાળો નહીં બોલવા જણાવ્યું હતું. જોકે બંને વચ્ચે સામાન્ય બાબતની બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. રોષે ભરાયેલા નરેશ મોહન વસાવાએ પોતાના સાથી મિત્ર મુકેશ ઉર્ફે ટીનકો ગામીયાભાઇ વસાવાને ઢોર માર્યો હતો અને શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઇજા સાથે મુકેશ ઉર્ફે ટીનકો ગામીયાભાઇ વસાવા મોતને ભેટ્યો હતો. ઘટનાની જાણ મરનારનાં પિતાએ પોલીસને કરતા હરકતમાં આવેલી માંગરોળ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજ હત્યારા મિત્ર નરેશ મોહન વસાવા સામે 302 મુજબ હત્યાનો ગુનો નોંધ્યો હતો અને પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો.