સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં એક જ સોસાયટીમાં રહેતા બે સમવયસ્ક કિશોરો વચ્ચે છોકરી સાથે વાતચીત કરવા મુદ્દે થઈ હતી લડાઈ. આ લડાઈએ એટલું ઉગ્ર સ્વરુપ ધારણ કર્યુ કે 12 વર્ષના કિશોર પર 13 વર્ષના અન્ય એક કિશોરે ચપ્પુ વડે હુમલો કરી દીધો છે. કિશોર પર ચપ્પાના કુલ 14 ઘા ઝીંકી દેવામાં આવ્યા. હાલ ઘાયલ બાળક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘાયલ બાળકના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
સમગ્ર ઘટનાક્રમઃ પાંડેસરા વિસ્તારની એક સોસાયટીમાં રહેતા બે બાળકો વચ્ચે લોહિયાણ જંગ ખેલાયો છે. છોકરી સાથે વાત કરવા મુદ્દે બે સમવયસ્ક કિશોરો બાખડી પડ્યા હતા. લડાઈ એટલી ઉગ્ર બની ગઈ કે એક 13 વર્ષિય કિશોરે 12 વર્ષિય કિશોરને ચપ્પુના 14 ઘા ઝીંકી દીધા હતા. ઘાયલ બાળકને પરિવારે નવી સિવિલમાં દાખલ કર્યો હતો. પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે ધસી આવી હતી. પોલીસે બંને પરિવારોની પુછપરછ કરી છે.
એક જ સોસાયટીમાં રહેતા બે બાળકો વચ્ચે વિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ 13 વર્ષના બાળકે 12 વર્ષના બાળક પર ચપ્પુ વડે 14 જેટલા ઘા કર્યા હતા. હાલ ઈજાગ્રસ્ત બાળકની સારવાર નવી સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તેના નિવેદન લીધા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. બંનેના પરિવારજનો સાથે પોલીસ આ બનાવ શા માટે બન્યો તેની પુછપરછ કરી રહી છે...એન.કે. કમલિયા(P.I., પાંડેસરા પોલીસ સ્ટેશન)