સુરત : મુંબઈના ફ્રુટ વેપારી સાથે દોઢ કરોડની ચીટીંગ કરનાર આરોપીને સુરતમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીને પકડવા માટે અગાઉ 4 વખત મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમ સુરત આવી હતી. પરંતુ આરોપી હાથ લાગ્યો ન હતો. દરમિયાન સુરત પીસીબી પોલીસે આરોપીને ઝડપી તેનો કબજો મુંબઈ ક્રાઈમ બ્રાંચને સોંપ્યો છે.
રીઢો આરોપી : સુરતની સરદાર માર્કેટ, નવસારી તેમજ ચીખલીમાં ફ્રુટનો વેપાર કરતા વેપારી પરેશ પટેલ દ્વારા વર્ષ 2022 માં મુંબઈના ફ્રુટના વેપારી સાથે દોઢ કરોડ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હતી. આ મામલે તેની સામે ગુનો નોધાયો હતો. જેથી આરોપીને પકડવા માટે 4 વખત મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમે સુરતમાં ધામા નાખ્યા હતા. પરંતુ આરોપી પોલીસ પકડમાં આવ્યો નહતો.
દોઢ કરોડનું ફ્રૂટ મુંબઈના વેપારી પાસે ખરીદી નાણાં ચાઉં કરનાર આરોપી વેપારીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ મુંબઈ શહેરના માટુંગા પોલીસ મથકમાં 1.55 કરોડની ફ્રૂટના ધંધામાં ચીટીંગનો ગુનો દાખલ થયો હતો. -- રાજેશ સુવેરા (PI, સુરત પીસીબી)
સુરત પોલીસે ઝડપ્યો : જોકે આખરે આ મામલે સુરત પીસીબી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં બાતમીના આધારે 42 વર્ષીય આરોપી પરેશ વલ્લભ પટેલને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે મુંબઈ માટુંગા પોલીસમાં ગુનો નોંધાયો હતો. તે છેલ્લા 1 વર્ષથી નાસતો ફરતો હતો. હાલ પીસીબી પોલીસે આરોપીને ઝડપી પાડી તેનો કબજો મુંબઈ ક્રાઈમ બ્રાંચને સોંપ્યો છે.
દોઢ કરોડની છેતરપિંડી : સુરત પીસીબી PI રાજેશ સુવેરાએ જણાવ્યું હતું કે, આરોપી સુરત, ચીખલી અને નવસારી સરદાર માર્કેટમાં ફ્રૂટનો વેપાર કરતો હતો. આરોપી પરેશ પટેલે વર્ષ 2022 માં મુંબઈમાં ફ્રૂટના વેપારી પાસે દોઢ કરોડનું ફ્રુટ ખરીદી છેતરપિંડી આચરી હતી. આરોપીની ધરપકડ કરવા માટે મુંબઈ ક્રાઇમબ્રાંચ 4 વખત સુરત પણ આવી ચૂકી છે. સુરત પીસીબીએ આરોપીની ધરપકડ કરી મુંબઈ ક્રાઇમબ્રાન્ચને સોંપી દીધો છે.