સુરતઃ શહેરની ગ્રામ્ય એલસીબીને વિદેશી દારૂ અંગે ખાનગી રાહે બાતમી મળી હતી. એલસીબીએ સત્વરે સ્થળ પર જઈ 9.42 લાખનો વિદેશી દારૂ સહિત કુલ 20 લાખનો મુદ્દામાલ ઝડપ્યો હતો. આ સમગ્ર રેડમાં એક આરોપીની અટકાયત કરાઈ છે.
આઈશરમાં સંતાડાયો હતો વિદેશી દારૂઃ કામરેજના ઊંભેળ ગામની હદમાં આવેલી વીર તેજાજી હોટલના પાર્કિંગમાં એક આઈશરની જડતી લીધી હતી. આ જડતીમાં આઈશરમાં છુપાવેલ કુલ 9.42 લાખના દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. એલસીબીએ વિદેશી દારૂ ઉપરાંત આઈશર, મોબાઈલ, રોકડ રકમ જપ્ત કરીને કુલ 19.44 લાખનો મુદ્દામાલ ઝડપ્યો હતો. આ કેસમાં 1ની અટકાયત કરાઈ હતી જ્યારે 4 ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા હતા.
વિદેશી દારૂ સુરત જિલ્લામાં ન પ્રવેશે તે માટે ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લેવામાં અમારી ટીમને સફળતા મળી છે...આર.બી. ભટોળ(પી.આઈ., એલ.સી.બી., સુરત ગ્રામ્ય )
પુષ્પા સ્ટાઈલમાં થાય છે દારૂની હેરફેરઃ સુરત જિલ્લામાં બે અલગ અલગ વિસ્તારોમાંથી પુષ્પા સ્ટાઈલમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો છે. સુરત ગ્રામ્ય પોલીસે ચોક્કસ બાતમીના આધારે આ કાંડનો પર્દાફાશ કર્યો હતો. પલસાણા તાલુકાના કડોદરા નજીક એક ઈકો કારને એમ્બ્યુલન્સનું રૂપ આપી તેમાં વિદેશી દારૂ ભરી લઈ જવાઈ રહ્યો હતો. જ્યારે બીજા બનાવમાં પલસાણા તાલુકાના વનેસા ગામની સીમમાં ફાયરની ગાડીમાં વિદેશી દારૂ લઇ જવાતો હતો. થોડા દિવસ અગાઉ પોલીસે હાઇવે પર એક એમ્બ્યુલન્સમાં ( MH 02 XA 9072) તપાસ કરતા ગાડીમાં પેશન્ટની જગ્યાએ સફેદ રંગના મીણીયા કોથળામાં વિદેશી દારૂની બોટલો ભરેલી હતી. પોલીસે 842 નંગ દારૂની બોટલ કિંમત રુ. 1,05,250 તેમજ 70 હજારની કિંમતની ગાડી મળી કુલ 1,80,250 નો મુદ્દામાલ કબ્જે કર્યા હતો. વાનચાલક ઋષિકેશ શાંતારામભાઈ પવારની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતા દારૂની ખેપ મારતો હોવાની કબૂલાત કરી હતી. તે જ દિવસે પોલીસની એક ટીમ સાથે વનેસા ગામની હદમાં વોચ ગોઠવી હતી. જેમાં એક ફાયરની ગાડીને થોભાવવાનો પ્રયત્ન કરતા ફાયરની ગાડીનો ચાલક રસ્તા બાજુએ ગાડી ઉતારી અંધારાનો લાભ લઇ ખેતરાડીના રસ્તે ભાગી છૂટ્યો હતો. પલસાણા પોલીસે ફાયર બ્રિગેડ જેવી દેખાતી ગાડીમાં તપાસ કરતા વોટર ટેન્કમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 3780 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.