સુરત : માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં આવેલા હનુમાન મંદિરના કમ્પાઉન્ડમાં 2 ઓગસ્ટના રોજ હત્યાનો બનાવ બન્યો હતો. જોકે, સુરત જિલ્લા એલસીબી દ્વારા ગણતરીના દિવસોમાં હત્યાનો ગુનો ઉકેલવમાં સફળતા મળી હતી. તપાસમાં મળતી માહિતી મુજબ મંદિરના પતરાના શેડની નીચે અમુક લોકો સુતા હતા. ત્યારે હત્યારાઓની સૂવા માટે પાથરેલી ચાદર હટાવીને ત્યાં સૂતેલા લોકો સાથે ઝઘડો કર્યો હતો. રાત્રીના પોતાની જગ્યા પર સૂવાની બાબતે મારામારીની ઘટના બાદ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
મૃતદેહ મળ્યો : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર 2 ઓગસ્ટના રોજ પીપોદરા ગામે હનુમાન મંદિરની બાજુમાં પતરાની શેડમાં એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. આ વ્યક્તિનું બોથડ પદાર્થ વડે માર મારી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. કોસંબા પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ હત્યાના ગુનામાં જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે તપાસ આદરી હતી.
પોલીસ તપાસ : પોલીસ તપાસ દરમિયાન CCTVમાં શંકાસ્પદ ઈસમોની હીલચાલ જોવા મળી હતી. જેને પોલીસે હત્યા સાથે સાંકળી હતી. જે બાબતે એલસીબીને તપાસ કરતાં શંકાસ્પદના ફૂટેજ મળી આવ્યા હતા. સ્થાનિક લોકોને આ CCTV ફૂટેજ બતાવવામાં આવ્યા હતા. જેમાંથી એક ચંદન નામક યુવક હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ચંદનને શોધવા નેટવર્ક સક્રિય કર્યું હતું. ઈસમ છુટક મજુરી કરી પેટીયુ રળી ખાતો હતો. તેમની પાસે મોબાઈલ કે કોઈ કાયમી ઠેકાણું નથી. આથી એલસીબીને શંકાસ્પદ વ્યક્તિને શોધવાનું કપરું બન્યું હતું.
આ બનાવને પગલે કોસંબા પોલીસ સાથે એલસીબી ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. આજુબાજુ વિસ્તારના CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. ચોક્કસ બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલા બે ઇસમોને ઝડપી લીધા હતા. કોસંબા પોલીસને આરોપીઓની કબજો સોંપાયો હતો.-- બી.ડી. શાહ (PI, સુરત ગ્રામ્ય LCB)
હત્યારા ઝડપાયા : ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, આ ગુનામાં સંડોવાયેલા બંને શખ્સ જોળવા મંગલમૂર્તિ એસ્ટેટ જવાના પર બંધ અવાવરુ બિલ્ડિંગમાં સૂતા છે. પોલીસે બંનેને પકડી પૂછતાછ કરતાં તેઓએ પીપોદરા ખાતે કરેલો હત્યાનો ગુનો કબૂલ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મૃતક અમારી રોજની સૂવાની જગ્યાએ સૂઈ ગયો હતો. જેથી તેને બીજી જગ્યાએ ઉંઘવા માટે જણાવ્યું હતું.
નજીવી બાબતે હત્યા : આ અંગે ઝઘડો થતાં મૃતકને ચંદન શિકારી જેના તથા તેના મિત્ર જગા કાલીયા સવાઈ દ્વારા માર માર્યો હતો. આ ઘટના રાત્રીના સમયે બની હતી. આરોપીઓનું કહેવું છે કે, ઈસમ મરી ગયો હોવાથી તેઓ અજાણ હતા. ચંદન અને જગા બંને તેની બાજુમાં સૂઈ રહ્યા હતા. ચંદને સવાર તપાસ કરતાં માર મારનાર ઈસમ મૃત્યુ પામ્યો હતો. આથી તે લોકો ત્યાંથી ભાગી છુટ્યા હતા. હાલમાં પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ અર્થે કોસંબા પોલીસને સોંપ્યો છે.