સુરત : જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અસામાજીક પ્રવૃતિ આચરતા આરોપીઓને નાથવા માટે સુરત પોલીસ કાર્યરત છે. જિલ્લામાં દાખલ થયેલ શરીર સંબંધી, મિલકત સંબંધી તથા પ્રોહિબિશન હેઠળના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા બે આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કર્યા છે.
રીઢા આરોપી : પલસાણા પોલીસની હદમાં જીપીસીબીના અધિકારીની ખોટી ઓળખ આપી પૈસા પડાવવાના ગુનામાં પકડાયેલા આરોપી ચેતન કાંતિ ભાઈ ખસલીયા વિરુદ્ધ ભયજનક વ્યક્તિ તરીકે પાસા દરખાસ્ત તૈયાર કરી હતી. તેમજ કોસંબા પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ પ્રોહી. ના ગુનામાં સંડોવાયેલ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ ઠાકોર વસાવા વિરુદ્ધમાં બુટલેગર વ્યક્તિ તરીકે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
પાસા હેઠળ જેલ : આરોપી ચેતન કાંતિ ખસલિયાને અમદાવાદની મધ્યસ્થ જેલમાં તેમજ ધર્મેન્દ્ર ઠાકોર વસાવાને રાજકોટ જેલની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારે એલસીબી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવતા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે.
વિદેશી દારુનો વેપલો : અન્ય કામગીરીની મળતી માહિતી અનુસાર સરકાર દ્વારા હાલ બાયોડિઝલના વેપલા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે ભૂતકાળમાં આ વેપલા સાથે સંકળાયેલ રોશન પીરૂમલ ખટીક નામના ઈસમે વિદેશી દારૂનો ગેરકાયદેસર વેપલો શરૂ કરી દીધો હતો. કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના PI આર. એસ. પટેલને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, પલસાણા તાલુકાના વરેલી ગામની સીમમાં આવેલ મેલડી માતાના મંદિર નજીક એક ગોડાઉનમાં આ ગોરખધંધો ચાલી રહ્યો છે.
લાખોનો મુદ્દામાલ : અગાઉ બાયો ડીઝલનો વેપલો કરતો રોશન ખટીક તેઓના સાગરીતો સાથે મળી હાલ વિદેશી દારૂનો ગેરકાયદેસર ધંધો કરી રહ્યા છે. જે ચોક્કસ બાતમીના આધારે કડોદરા GIDC પોલીસે રેડ કરતા સ્થળ પરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કડોદરા પોલીસે વિદેશી દારૂ અને ટેમ્પો સહિત રુપિયા 6.21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાં કડોદરા પોલીસે વિદેશી દારૂની 3504 બાટલી, એક અતુલ શક્તિ થ્રી વ્હીલર ટેમ્પો, ત્રણ મોબાઈલ મળી કુલ 6.21 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ઉપરાંત રોશન ખટીક, રવીન્દ્ર પાટીલ અને કનૈયા ખટીકની ધરપકડ કરી હતી. વધુ તપાસ હાથ ધરતા અન્ય છ ઇસમોના નામ ખુલ્યા હતા. તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.