સુરત : શહેરના વિવિધ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. હાલમાં જ એક મહિના પહેલા કામરેજની સુવર્ણ ભૂમિ નામની સોસાયટીના ઘર નંબર 203 ખાતે રહેતા હીરાના વ્યવસાય કરતા કારીગરના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં 1.85 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. આ બનાવમાં તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.
તસ્કરોનો તરખાટ : આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી. ત્યારે કામરેજની મીરા બંગલો સોસાયટીમાં તસ્કરોએ બે મહિના અગાઉ બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. ત્યારબાદ હવે ફરી એજ સોસાયટીમાં આવેલા મકાન નંબર 45 વાળા બંધ ઘરને નિશાન બનાવતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. જોકે સોસાયટીના રહીશોની સતર્કતાને લીધે ત્રણ પૈકી બે ચોરો નિશાન બનાવેલ ઘર નજીક જ પોતાની ચપ્પલ છોડી ઉઘાડા પગે પલાયન થઈ ગયા હતા.
આ બાબતે ફરિયાદ મળી છે. જેના આધારે તપાસ શરૂ છે. -- રવિન્દ્ર ભાઈ (બીટ જમાદાર, કામરેજ પોલીસ)
બુકાનીધારી ચોર : જન્માષ્ટમીની મધ્ય રાત્રીએ ચોરીના ઈરાદે ઘૂસેલા બુકાનીધારી ત્રણ અજાણ્યા તસ્કરો સોસાયટીમાં પ્રવેશ્યા હતા. પરંતુ રહીશો જાગી જતા તેઓએ સતર્કતાના કારણે સિક્યુરિટીને જાણ કરવામાં આવી હતી. આથી સિક્યુરિટી ત્રણેય અજાણ્યા ચોર તરફ ગયા હતા. જોકે ચોરોએ તેમની પાસે રહેલુ ચપ્પુ સિક્યુરિટીને બતાવતા બૂમાબૂમ મચી ગઈ હતી. આથી મકાન નંબર 61માં રહેતા રાકેશભાઈ પટેલ સહિતના લોકોએ તસ્કરોનો પીછો કર્યો હતો. ચોકોએ ભાગતા ભાગતા ત્રણેય પૈકી એક પાસે રહેલું તાળું રાકેશભાઈને છૂટું માર્યું હતું.
ચપ્પલ મૂકીને ચોર ભાગ્યા : સોસાયટીના રહીશો દ્વારા ભાગતા અજાણ્યા ત્રણેય ચોરનો પીછો કરવામાં આવ્યો હતો. જોકે તસ્કરો નિશાનાવાળા મકાન નજીકથી દિવાલ કુદી કામરેજના જાહેર માર્ગ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. ચોરીના ઈરાદે આવેલા ત્રણેય અજાણ્યા તસ્કરોની હિલચાલ સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. ઘટના અંગે મીરા બંગલો સોસાયટીના પ્રમુખ વિપુલભાઈ ઠક્કરે ગુરુવારની મધ્ય રાત્રીએ ચોરીના ઈરાદે ઘૂસેલા ત્રણ અજાણ્યા તસ્કરો વિશેની જાણ કરતી અરજી ગતરોજ કામરેજ પોલીસ મથકે આપી હતી.