સુરત : શહેરમાં હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. કમરથી નીચેનો ભાગ કપાયેલી હાલતમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા પોલીસે દોડતી થઈ હતી. સુરત શહેરમાં તાપી નદીના પાળા પાસે કપાયેલી હાલતમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે રાંદેર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં ક્રૂરતાનો આ કિસ્સો કોઈપણના કાળજાને હચમચાવી દેનાર છે. આ બાળક કઈ રીતે ઘટના સ્થળે મળી આવ્યો છે તે અંગેની પણ તપાસ હાલ ચાલી રહી છે.
નવજાત શિશુનો મૃતદેહ : ભૂતકાળમાં અનેક એવા બનાવ સામે આવી ચૂક્યા છે, જેમાં નવજાત બાળકને ત્યજી દેવાની ઘટના બની હોય. હાલ સુરત શહેરના રાંદેર વિસ્તાર ખાતે આવેલા કોઝવે તાપીના પાળા નજીક એક માસૂમ નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે જોયું કે નવજાત શિશુનો કમરથી નીચેનો ભાગ કપાયેલી હાલતમાં છે. નદીના પાડા પાસે આવેલા હાઈટેન્શન પાવર નજીક આ નવજાત શિશુ મળી આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ખાસ કરીને નજીકના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
નવજાત શિશુ બાળક છે કે બાળકી તે હાલ જાણકારી મળી નથી. કઈ રીતે તેનો મૃતદેહ ત્યાં પહોંચ્યો તે અંગેની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. રિપોર્ટ પછી જ જાણકારી મળશે કે નવજાત બાળકનું મોત કયા કારણોસર થયું છે. હાલ અમે સ્થાનિક સીસીટીવીની પણ તપાસ હાથ ધરી છે.-- અતુલ સોનારા (PI, રાંદેર પોલીસ સ્ટેશન)
પોલીસ તપાસ : રાંદેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ આ અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે પોલીસને જાણકારી મળી હતી સુરત શહેરના રાંદેર વિસ્તાર ખાતે આવેલા કોઝવે તાપી નદી પાળા નજીક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. નવજાત શિશુનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ત્યજી દીધેલું બાળક ? પોલીસે નવજાત શિશુના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. પેનલ રિપોર્ટ પછી જ ખબર પડશે કે નવજાત શિશુના મૃત્યુ પાછળનું કારણ શું છે. જ્યાં નવજાત શિશુ મળી આવ્યો ત્યાં કાદવ કિચડ છે. જેથી તેના શરીરના બાકીના ભાગની પણ તપાસ પોલીસે હાથ ધરી હતી. જોકે શરીરનો અન્ય ભાગ નહીં મળતા પોલીસ હાલ પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. છેલ્લા 15 દિવસમાં કેટલા બાળકો જન્મ થયો છે. તે અંગે નજીકના હોસ્પિટલમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ પ્રકારની વિગતો હોસ્પિટલથી મેળવવાની તજવીજ પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.