સુરત: શહેરના LIC એજન્ટને હનિટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને સમગ્ર કાંડના માસ્ટર માઈન્ડને ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં આ માસ્ટર માઈન્ડ હોટલનો માલિક હોવાનું સામે આવ્યું છે.
માસ્ટર માઈન્ડ ઝડપાયોઃ સિટીલાઈટ વિસ્તારમાં રહેતા LIC એજન્ટ હનિટ્રેપનો શિકાર બન્યો હતો. એજન્ટને પોલિસી લેવાના બહાને બોલાવીને હનિટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. પોલીસે આ કેસ ઉકેલીને માસ્ટર માઈન્ડ અશ્વિન ઉલવા, રાજુ હડિયલ, જયેશ વાઘેલા, દિલીપ મામા અને એક યુવતીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓના બે દિવસના રિમાન્ડ પણ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. માસ્ટર માઈન્ડ અશ્વિન ઉલવા એક હોટલનો માલિક છે. જેના વિરુદ્ધ અગાઉ પોલીસ સ્ટેશનમાં બે કેસમાં ધરપકડ થઈ ચૂકી છે.
મોડસ ઓપરન્ડીઃ LIC એજન્ટને શ્રીજી માર્કેટની સામે એક મકાનમાં પોલિસીના બહાને બોલાવીને સમગ્ર હનિટ્રેપની જાળ ફેલાવવામાં આવી હતી. પીડિત પાસેથી આરોપીએ 3 લાખની માંગણી કરીને છેલ્લે 43 હજાર રૂપિયામાં તોડ કરવામાં આવ્યો હતો. આ હનિટ્રેપથી ત્રસ્ત થઈને પીડિત એજન્ટે અડાજણ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને હનિટ્રેપ કેસ ઉકેલી કાઢ્યો છે.
ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીઓ પૈકી એકે અડાજણ પોલીસ સ્ટેશનના કર્મચારી તરીકે ઓળખ આપી હતી. તમે ખોટા કામ કરી રહ્યા છો તેમ કહી મારપીટ કરી. ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. છેવટે 43 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો...આર.બી. ગોજીયા(PI, અડાજણ પોલીસ સ્ટેશન)