સુરત : શહેરના વરાછા વિસ્તારમાં માત્ર રૂ.100ની લેતીદેતી બાબતે એક યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મરનાર વ્યક્તિ મુન્ના શ્રમિક છે જ્યારે અન્ય ત્રણ લોકો સાથે માત્ર રૂ.100ની લેતીદેતી બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ મુન્નાના માથાના ભાગે આરોપીઓએ પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.
17મી તારીખના રોજ રાત્રે 3:00 વાગ્યાના અરસામાં સો રૂપિયાની લેતીદેતી બાબતે મુન્ના સાથે સાધુ અને સુરેશ નામના વ્યક્તિ વચ્ચે બબાલ થઈ હતી. આ ઝઘડા વચ્ચે સોનુ નામનો વ્યક્તિ પણ જોડાઈ ગયો હતો. સોનુએ મુન્નાના માથા અને મોંના ભાગે પથ્થર વડે 8-10 ઘા ઝીંકી મોતના ઘાટે ઉતારી દીધો હતો. ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બે આરોપીઓને વરાછા પોલીસે ઝડપી પાડ્યા હતાં. જ્યારે જે એક અન્ય આરોપી સોનુ છે તેની ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે...ભક્તિ ઠાકર ( ડીસીપી )
માથામાં પથ્થર ઝીંકી હત્યા : સુરત શહેરમાં વરાછા વિસ્તાર ખાતે આવેલા સવાણી રોડ પર માત્ર રૂ.100 ની લેતીદેતી બાબતે એક યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. મજૂરી કામ કરનાર મુન્ના સાથે સુરેશકુમાર સરોજ અને સાધુ પ્રદાન નામના વ્યક્તિ 100 રૂપિયાના બાબતે વિવાદ કરી રહ્યા હતા. તે દરમિયાન અન્ય સોનુ નામનો વ્યક્તિ પણ ઝઘડો કરવા લાગ્યો હતો. વિવાદ ઉગ્ર બની જતા આ ત્રણેય આરોપીઓએ રોષે ભરાઈ પથ્થર વડે મુન્નાના માથાના ભાગે અનેક વાર કર્યા હતાં. જેથી તે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત થતા તે બેભાન થઈ ગયો હતો અને આ અંગેની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી : 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મુન્નાનું મોત નીપજ્યું હતું. વરાછા પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીઓ પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી. આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે સાધુપ્રધાન, સુરેશકુમાર સરોજ અને સોનુની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓને વરાછા પોલીસને સોંપી દેવામાં આવ્યા છે.