સુરત : સુરતમાં મહિલા પ્રોફેસર આત્મહત્યા કેસમાં આખરે સુરત રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસમાં પોલીસે ઝારખંડની ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગે પ્રોફેસરનો ફોટો મોર્ફ કરી તેનો ન્યૂડ પીક બનાવ્યો હતો અને પ્રોફેસરને વારંવાર તેઓ બ્લેકમેલ કરી રહ્યા હતાં. જેથી પ્રોફેસર મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. બ્લેકમેલ કરીને મહિલા પ્રોફેસર પાસેથી તેઓએ 71000 રૂપિયા પણ પડાવી લીધા હતાં.
શું હતી ઘટના : સુરત શહેરના જહાંગીરપુરા ખાતે રહેતી અને કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ટ્રેન નીચે આવી આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરવા પહેલા તેણે પોતાની નાની બહેનને વોટ્સએપના માધ્યમથી જણાવ્યું હતું કે, તેને ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી અને પૈસાની માંગણી પણ કરવામાં આવી રહી છે. તેણે પોતાના મોબાઈલ ફોનમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. મોબાઇલમાં આવેલા ઍક્સેસ કોન્ટેક્ટમાં તેને યસને ક્લિક કર્યા હતા ત્યારબાદથી જ આ સમસ્યા ઉદભવી હતી. 15 મી માર્ચના રોજ મહિલા પ્રોફેસરએ આત્મહત્યા કરી લીધી હતી.
ઝારખંડની ગેંગ પકડાઇ : આ મામલામાં ઝારખંડથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગના લોકો એપ્લિકેશન મોકલીને મોબાઇલ એક્સેસ મેળવી લેતા હોય છે અને મોબાઈલમાંથી ફોટો મેળવી તેને મોર્ફ કરી વ્યક્તિને બ્લેકમેલ કરે છે. આવી ગેંગના કરતૂતના કારણે એક આશાસ્પદ પ્રોફેસરે પોતાનો જીવ ગુમાવ્યો છે.
ગુનેગારો શોધવા ટીમ ઝારખંડ મોકલી : આ સમગ્ર મામલે રેલવે પોલીસ સહિત રાંદેર પોલીસે તપાસ હાથ ધરી હતી. રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ જણાવ્યું હતું કે, મહિલા પ્રોફેસર આત્મહત્યા પ્રકરણમાં અમે તપાસ કરી રહ્યા હતાં. મોબાઈલ ફોન અને નંબરની તપાસ કરવામાં આવી હતી. જેથી જાણકારી મળી હતી કે ફોટો મોર્ફ કરીને લોકોને બ્લેકમેલ કરનાર ટોળકી દ્વારા મહિલા પ્રોફેસરને બ્લેકમેલ કરવામાં આવી રહી હતી જેથી તેમણે આપઘાત કરી લીધો હતો. અમે એક ટીમ ઝારખંડ મોકલી હતી. ત્યાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
મોબાઇલ એક્સેસ મેળવી લેતા હોય છે : મહિલા પ્રોફેસરે પોતાની બહેનને જણાવ્યું હતું કે તેને વારંવાર બ્લેકમેલ કરવામાં આવી રહ્યો છે. તેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. મહિલા પ્રોફેસરના પિતા ઇન્કમટેક્સ વિભાગમાં કર્મચારી છે. તેને પોતાની દીકરીને ખૂબ જ સારી રીતે ભણાવી હતી. મહિલા પ્રોફેસર ધોરણ 12 સાયન્સ સુધી અભ્યાસ કર્યા બાદ સુરત શહેરની નવયુગ કોલેજમાં બીએસસી પૂર્ણ કર્યું હતું. પીએચડીનું રીઝલ્ટ આવ્યા અને બે દિવસ બાદ મહિલા પ્રોફેસરે ટ્રેનની નીચે આવીને આત્મહત્યા કરી લીધી હતી.