સુરત : કામરેજ તાલુકાના ઊંભેળ ગામમાં પસાર થતા નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં અજાણ્યા 50થી 55 વર્ષીય આધેડનું મોત નિપજ્યું હતું. કામરેજ પોલીસે ઘટના સ્થળે દોડી મૃતદેહનો કબજો લઈ અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
રોડ ક્રોસ કરતાં સમયે હિટ એન્ડ રન અકસ્માત સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઊંભેળ ગામ પાસે પસાર થતાં નેશનલ હાઈવે 48 પર કચરો વીણવાનું કામ કરતા 50 થી 55 વર્ષીય આધેડ હાઇવે ક્રોસ કરી રહ્યા હતાં તે દરમિયાન તેઓને બેફામ હાઇવે પર દોડી રહેલા અજાણ્યા વાહને અડફેટે લેતા તેઓને શરીરે થઈ હતી અને પૂરતી સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.
વાહન ચાલક ભાગી ગયો હાઇવે પર અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ભાગી ગયો હતો. ઘટનાની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આગળની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. હજુ સુધી મૃતક પુરૂષની ઓળખ થઈ નથી હાલ તેઓના વાલીવારસ સુધી પહોંચી વળવાની તજવીજચાલી રહી છે. બનેલી અકસ્માતની ઘટનાને લઈને ઉંભેળ ગામના ખેડૂત નીલેશભાઈ જગદીશભાઈ પટેલનાઓએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે...પૃથ્વીભાઈ(બીટ જમાદાર, કામરેજ પોલીસ)
થોડા દિવસ પહેલાં અકસ્માતમાં 3નાં મોત થયાં હતાં થોડા દિવસ પહેલા બનેલી અકસ્માતની ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતાં. અન્ય બનાવની વાત કરીએ તો સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ખરવાસા ઇસનપોર રોડ પર અકસ્માતની ઘટના બની હતી. કોલેજના વિદ્યાર્થીઓને લઈ જતા વાનચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાન ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. વાનમાં સવાર આઠમાંથી બે વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે અન્ય 6 વિદ્યાર્થીઓને બારડોલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ એક વિદ્યાર્થીનું મોત થતાં મૃત્યુ આંક ત્રણ થયો હતો. વાન માં સવાર વિદ્યાર્થીઓ બારડોલીની માલીબા કોલેજમાં અભ્યાસ કરતા હતા અને તેઓ વાનમાં માંડવી જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.