સુરત : કાપડના વેપારીએ સુરતમાં પોતાના કર્મચારીના પુત્રને અત્તરના વ્યવસાય માટે લોન આપવાના નામે તેની પાસેથી ડોક્યુમેન્ટ મેળવી બોગસ પેઢી ખોલી નાંખી એટલું જ નહીં 1.90 કરોડનું જીએસટી ચોરી કૌભાંડ પણ આચર્યું છે. ફરિયાદી રોડ પર અતરનું વેચાણ કરે છે. આરોપી યુનુસ ચક્કીવાલા સામે આખરે ઠગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જીએસટી નોટિસ મળી : અત્તરના ફેરિયા પાસેથી ડોક્યુમેન્ટ મેળવી બોગસ પેઢી ખોલવાના કિસ્સામાં થોડાક દિવસે પહેલા જીએસટી ઓફિસ તરફથી સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં રોડ પર અત્તરનું વેચાણ કરનાર ઇસમને નોટિસ મોકલવામાં આવી હતી. આ નોટિસમાં તેમને જણાવવામાં આવ્યું હતું કે તેઓએ 28.59 કરોડનો માલ વિદેશ મોકલ્યાનું બતાવ્યું નથી. સાથે આ નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ રેડ ફોર્ડ ઇમ્પેક્સ નામની કંપની ધરાવે છે અને એક્સપોર્ટ ઈમ્પોર્ટની પેઢી હોવાના કારણે તેઓએ ચીન અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં એક્સપોર્ટ કર્યું છે.
અત્તરના ધંધા માટે લોન : આ નોટિસ જોઇને 39 વર્ષીય ઉવેશ અબ્દુલ સોપારીવાળા નામનો યુવાન ચોંકી ઉઠ્યો હતો. તેની સાથે ઠગાઈ થઈ હોય તેવું લાગતા તેણે વકીલનો સંપર્ક કર્યો હતો. આખરે તેને ખબર પડી કે તેના પિતા યુનુસ અબ્દુલ ચક્કીવાલાના બુરખાની દુકાનમાં નોકરી કરતા હતા. યુનુસે ઉવેશના પિતાને જણાવ્યું હતું કે જો અત્તરના ધંધા માટે લોનની જરૂર હોય તો તે ઉવેશના ડોક્યુમેન્ટ્સ આપે જેથી તેઓ ઉવેશને લોન કરાવી આપશે. ત્યારે તેના પિતાએ ઉવેશનું ડોક્યુમેન્ટ્સ યુનુસ ચક્કીવાલાને આપ્યું હતું.
ફરિયાદી અત્તર વેચાણનું કામ કરે છે તેઓ સામાન્ય ફેરિયા તરીકે અત્તર વેચી પરિવારનો ગુજરાન ચલાવે છે. તેઓને એક દિવસ જીએસટી તરફથી નોટિસ મોકલવામાં આવી હતી કે તેઓએ 28 કરોડથી પણ વધુનો જીએસટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ત્યારે તેઓ ચોકી ગયા હતા અને આ સમગ્ર મામલે પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે તેમના ડોક્યુમેન્ટસ લઈ યુનુસ નામના ઇસમે બોગસ પેઢી ઊભી કરી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે...એચ. કે. સોલંકી, (ઇકો સેલના પીઆઈ)
ઠગાઈની ફરિયાદ : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, યુનુસના તમામ ડોક્યુમેન્ટસ લઈ ઉવેશના નામે પેઢી બનાવી હતી અને જીએસટી ચોરીનું કૌભાંડ આચાર્યું હતું. આખરે આ સમગ્ર મામલે ઉવેશના વકીલે પોલીસ મથકમાં અરજી કરી હતી. જેની તપાસ બાદ ઇકો સેલમાં આરોપી યુનુસ ચક્કીવાલા સામે ઠગાઈની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.