Surat Crime : એના લૂંટ વિથ મર્ડર કેસમાં પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, લૂંટનું તરકટ રચ્યું - પ્રેમીની ધરપકડ
સુરતના પલસાણા તાલુકાના એના ગામે લૂંટ વિથ મર્ડર કેસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢી સમગ્ર ઘટનાને લૂંટ વિથ મર્ડરમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ સમગ્ર કેસ ઉકેલી કાઢી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી હતી.
Published : Nov 10, 2023, 9:37 PM IST
સુરત : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં એનઆરઆઇ ગામ તરીકે ઓળખાતા એનામાં થયેલી લૂંટ વિથ મર્ડરની ઘટનામાં પત્નીએ જ તેના પ્રેમી સાથે મળી હત્યા કરી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
શંકાના દાયરામાં પત્ની : પલસાણા તાલુકાનાં એના ગામના શિવાલિક બંગલોઝમાં રહેતા અને એના કેળવણી મંડળમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ ઈશ્વરભાઈ નાયકની લૂંટારુઓએ હત્યા કરી 20.50 લાખની લૂંટ ચલાવી હોવાની પોલીસ ફરિયાદ તેની પત્નીએ નોંધાવી હતી. પરંતુ આ ઘટનામાં તેની પત્ની શ્વેતા જ શંકાના ડાયરામાં આવતા પોલીસે તે દિશામાં જ તપાસ શરૂ કરી હતી અને શ્વેતાની પૂછપરછ શરૂ કરી હતી.
ઘટના સ્થળની સ્થિતિ જોતાં પહેલાથી પોલીસને પત્ની શ્વેતા પર શંકા ગઈ હતી. તેની ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી. જેમાં તેણીએ સમગ્ર હકીકત જણાવી પોતે જ પ્રેમી સાથે મળીને હત્યા કરી લૂંટનું કાવતરું રચ્યું હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસ બારડોલી ડીવાયએસપીના નિરક્ષણમાં સમગ્ર મામલે તપાસ કરી રહી છે. બંનેને રિમાન્ડ માટે રજૂ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવશે..હિતેશ જોયસર, પોલીસ વડા, સુરત ગ્રામ્ય
પોલીસ પૂછપરછમાં ભાંગી પડી : આકરી પૂછપરછ દરમ્યાન શ્વેતા ભાંગી પડી હતી અને તેણે તેના પ્રેમી વિપુલ ઉર્ફે લાલુ મહેશ કહાર (રહે સુમન છાયા, વાસુ દર્શન સોસાયટી, પાલ, અડાજણ સુરત) સાથે ભેગા મળી હત્યાનું કાવતરું રચ્યું હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસે શ્વેતા અને તેના પ્રેમી વિપુલ ઉર્ફે લાલુ મહેશ કહારની ધરપકડ કરી હતી.
હત્યાને લૂંટમાં ખપાવવાનો પ્રયાસ : પરિવારના સભ્યોને ખાવામાં તેમજ ઠંડાપીણાંમાં ઘેની પદાર્થ મેળવી તમામ પરિવારના સભ્યો ગાઢ નિદ્રામાં હતા ત્યારે પ્રેમી વિપુલને ઘરમાં બોલાવ્યો હતો. જેથી વિપુલ ઇકો કાર લઈ એના પહોંચ્યો હતો અને બંને જણાએ ભેગા મળી રાકેશનું મોઢું દબાવી તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ લાલુ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હત્યાની ઘટના લૂંટમાં ખપાવવામાં તેમણે સામાન વેરવિખેર કરી લેપટોપ લઈ ફરાર થઈ ગયો હોવાનું તરકટ રચ્યું હતું.
સાથે નોકરી કરતા હતાં : શ્વેતા છેલ્લા અઢી વર્ષથી વિપુલ સાથે નોકરી કરતી હોવાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ બાબતે રાકેશને શંકા જતાં બંનેએ ભેગા મળી તેની હત્યાનું કાવતરું રચ્યું હતું. તેના ભાગ રૂપે શ્વેતાએ ઘરની ચાવી લઈ અગાઉથી ચોક્કસ જગ્યાએ મૂકી રાખી હતી. રાકેશના જમવામાં તેમજ ઠંડા પીણાંમાં ઘેની પદાર્થ મેળવી પ્રેમીને બોલાવી તેની સાથે ભેગા મળી હત્યા કરી નાખી હતી.
અઢી વર્ષ પહેલાં પરિચય થયો હતો : શ્વેતા નોકરી કરતી હતી તે દરમ્યાન અઢી વર્ષ પહેલાં તેનો વિપુલ સાથે પરિચય થયો હતો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. વિપુલની પત્ની તેને છોડીને જતી રહી હોવાથી શ્વેતા અને વિપુલ એકબીજાની નજીક આવ્યા હતા. આ સંબંધ વિષેની જાણ રાકેશને થતાં તેનો કાંટો કાઢી નાખવા માટે પ્રેમી સાથે મળી શ્વેતાએ હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.
ખોરાકમાં ઘેનની દવા આપી હતી : પોલીસ પૂછપરછમાં શ્વેતાએ જણાવ્યુ હતું કે તેણે પરિવારના તમામ સભ્યોને ઘેનની દવા ખોરાક અને કોલ્ડડ્રિંકસમાં ભેળવી હતી. જેના કારણે તમામ સભ્યો ગાઢ નિદ્રામાં પોઢી ગયાં હતાં. જો કે નાની દીકરી ઘરમાં જમી ન હોઇ તેને ઘેનની અસર થઈ ન હતી અને તે જ્યારે ઘટના બની ત્યારે જાગી ગઈ હતી અને આખી ઘટના નજર સમક્ષ નિહાળી હતી.
5.40 લાખનો મુદ્દામાલ કબ્જે : પોલીસે હત્યાના ઇરાદે કરવામાં આવેલ આ લૂંટમાં વિપુલ જે સોનાની લકી કિમત રૂ. 1.35 લાખ, સોનાની રુદ્રાક્ષ માળા કિમત રૂ 70 હજાર, સોનાની વીંટી નંગ 2 કિમત રૂ. 25 હજાર, મારુતિ ઇકો કાર કિમત રૂ. 3 લાખ, એક મોબાઇલ ફોન કિમત રૂ. 10 હજાર મળી કુલ 5.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
- Morbi Crime News: પતિએ પત્નીની હત્યા કરી મોરબીમાં અને મૃતદેહ લઈ 450 કિમી દૂર છોટાઉદેપુર પોલીસ સમક્ષ સરેન્ડર થયો
- Junagadh Crime : પત્નીએ જ પતિનું કાસળ કાઢેલું, ભેદ ખુલતાં જૂનાગઢ પોલીસે પત્ની અને તેના પ્રેમીને ઝડપી લીધાં
- 'પતિ પત્ની ઓર વો', પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢ્યું, મૃતદેહની શોધખોળ શરૂ