સુરત: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના તપાસમાં વોન્ટેડ આરોપી સુરતથી ઝડપાયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અબુ બકર નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે જે અલ કાયદા (AQIS)ની એનઆઇએની તપાસમાં વોન્ટેડ હતો. આરોપી મૂળ બાંગ્લાદેશી છે અને ભારતીય નાગરિક બનીને અગાઉ અમદાવાદ અને ત્યાર પછી સુરત આવીને રહી રહ્યો હતો. તે એક અન્ય બાંગ્લાદેશી અને હવાલા કારોબારી સાથે સંપર્કમાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ મળી આવ્યું: આરોપી પાસેથી આધાર કાર્ડ અને ગવર્મેન્ટ ઓફ ડી પીપલ્સ રિપબ્લિક બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે. એટલું જ નહીં અંગ્રેજી તથા બાંગ્લાદેશની ભાષાનું જન્મ પ્રમાણપત્ર પણ આરોપી પાસેથી મળી આવતા પોલીસે તેની સઘન તપાસ હાથ ધરી હતી. તેની પાસે બે મોબાઈલ પણ હતા જે કબજે કરી ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.
તપાસમાં ખુલાસો: આરોપી અમદાવાદ ખાતે આવેલા ગૌતમ નામના ઈસમ પાસે ગેરકાયદેસર રીતે આધાર કાર્ડ બનાવ્યો હતો અને તેનો ઉપયોગ કરી રહ્યો હતો. આધારકાર્ડ મારફતે તેને મોબાઈલ ફોન નંબર પણ મેળવી તેનો ઉપયોગ કરી રહ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તે વર્ષ 2015 થી અમદાવાદ ખાતે પોતાનું નામ બદલીને રહી રહ્યો છે. તે ભારત ગેરકાયદેસર રીતે આવ્યો હતો અને બોગસ આધારકાર્ડ બનાવી લીધો હતો. વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે પકડાયેલા આરોપી અબુબકર અલ કાયદા (AQIS)ની એનઆઇએની તપાસમાં વોન્ટેડ છે.
હવાલા કારોબારી સાથે સંપર્કમાં: ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વર્ષ 2023 માં એનઆઇએ દ્વારા એક કેસ કરવામાં આવ્યો હતો જેમાં હવાલાના તાર જોડાયા છે. ત્રણ લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી. આરોપી અબુબકર અમદાવાદ ખાતે એક ટીશર્ટની કંપનીમાં સીવણ કામ કરતો હતો. આધારકાર્ડ બનાવીને તે ભારતમાં રહી રહ્યો હતો એટલું જ નહીં તપાસમાં વોન્ટેડ અન્ય આરોપી કે જે કોલકાતાનો રહેવાસી છે અને મૂડ બાંગ્લાદેશનો છે તેવા હુંમાયુખાન સાથે તે સંપર્કમાં હતો. હુમાયુ ખાન હવાલા કારોબારી છે અને આરોપી અબુ બકર તેને પૈસા મોકલતો હતો. હાલ હવે આ સમગ્ર મામલે એનઆઇએ તપાસ કરશે ટૂંક સમયમાં એનઆઇએ આરોપી અબુ બકરનો મેળવી તેની પૂછપરછ હાથ ધરશે.