સુરત: "અપરાધી ચાહે કહીં ભી છીપ જાયે લેકિન પુલીસ કે હાથ અપરાધી તક પહોંચ હી જાતે હે" હિન્દી ફિલ્મની આ કહેવત સુરત પોલીસ માટે સાર્થક બની છે. એકવીસ વર્ષ જૂના લૂંટ અને ધાડના ગુનામાં ફરાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. છ જેટલા સાગરીતો સાથે મળીને એકવીસ વર્ષ અગાઉ આરોપીએ સચિન GIDC વિસ્તારમાં આવેલી ફેકટરીમાં જ્યાં તે કામ કરતો હતો, ત્યાં ફેકટરીના વોચમેનને બંધક બનાવી ચાર લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. પોલીસે લૂંટની આ ઘટનામાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી હતી.
આરોપી રામચરણ ઉર્ફે અજય પાલ ફેકટરીમાં સાત માસ નોકરી કરી ચુક્યો હતો. જ્યાં નોકરી છોડ્યા બાદ પોતાના સાગરીતો સાથે મળી પગાર ના દિવસે જ બેધડક લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. 21 વર્ષ જૂના સચિન GIDC પોલીસ મથક હદ વિસ્તારમાં બનેલ આ લૂંટનો ગુનો ખૂબ જ બહુચર્ચિત બન્યો હતો. જેમાં પોલીસે ત્રણ આરોપીઓને અગાઉ ઝડપી પાડ્યા હતા.જ્યારે મુખ્ય આરોપી રામચરણ સહિત અન્ય ત્રણ આરોપીઓ નાસ્તા - ફરતા ફરી રહ્યા હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે મળેલી માહિતીના આધારે સચિનના કનકપુર કનસાડ રેલવે ગરનાળા નજીકથી આરોપી રામચરણ ઉર્ફે અજય પાલને ઝડપી પાડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી પોતે ફેકટરીમાં કામ કરતો હતો અને બાદમાં નોકરી છોડી લાખો રૂપિયાની લૂંટ કરી હતી. જો કે, લૂંટની ઘટનાના 21 વર્ષ વીત્યા છતાં સ્થાનિક પોલીસ આરોપીને પકડવામાં માત્ર ને માત્ર હવામાં બાચકા મારી રહી હતી. આરોપી જ્યારે ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવી ગયો છે ત્યારે તેની હાલની ઉંમર 48 વર્ષ જેટલી થઈ ચૂકી છે. જે સમયે તેણે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો,તે સમયે તેની ઉંમર 25 વર્ષ હતી.