માહિતી પ્રમાણે, સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરતમાં તક્ષશીલા આર્કેડમાં લાગેલી આગમાં તપાસ કરતા આજે સુરત મનપાના પરાગ મુનશી, જયેશ સોલંકી, DCVCLના એક્ઝિક્યુટિવ એન્જીનીયર અને બિલ્ડર રવિન્દ્ર કહારની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ અંગે સુરત પોલીસ કમિશ્નર સતીશ શર્માએ પત્રકાર પરિષદ યોજી પોતનું નિવેદન આપ્યું હતું.
કમિશ્નર સતીશ શર્માએ જણાવ્યુ હતું કે, ઇમ્પેક્ટ ફી મુજબ જે તે સમયે કાયદો રદ થયા બાદ આ બિલ્ડીંગ ઉભી કરવામાં આવી હતી. DCVCLના એક્ઝિક્યુટિવ એન્જીનીયર કોઈ પણ જાતનું ઇન્સ્પેકશન કર્યા વગર ગેરકાયદેસર વિજળીનું કનેક્શન આપી દીધું હતું. જ્યારે જયેશ સોલંકીએ ઇમ્પેક્ટ ફીની કટ ઓફ ડેટ બાદ ફી લઇ રેગ્યુલર બિલ્ડીંગની પરવાનગી આપી હતી.
ગેરકાયદેસ વિજળીના જોડાણ બાદ બિલ્ડીંગમાં ગેરકાયદે AC ફિટ કરવામાં આવ્યા હતા જેના કારણે આગ વધારે ભભૂકી ઊઠી હતી. પણ સવાલ એ ઊઠી રહ્યો છે કે, આરોપીઓની ધરપકડ તો કરવામાં આવી છે, પરંતુ તેમને મીડિયાથી દુર શા માટે રાખવામાં આવ્યા છે? જો ફાયર વિભાગના અધિકારીઓને મીડિયા સમક્ષ રજુ કરવામાં આવે તો આ અધિકારીઓને શા માટે મીડિયાથી દૂર રાખવામાં આવી રહ્યા છે જેવા અનેકત સવાલો ઊભા થઈ રહ્યા છે.