સુરત : વરાછા વિસ્તારમાં ચણિયાચોળીના વેપારીના ત્યાં નોકરી કરનાર કર્મચારીને ચપ્પુ બતાવી ચાર લાખ રૂપિયા અને મોબાઈલ લૂંટની ઘટના બની હતી. જેમાં પોલીસ આરોપીઓની શોધખોળ કરી જ રહી હતી. પરંતુ આ કેસમાં ચોકાવનારો ખુલાસો થયો છે. લૂંટની આ ઘટનામાં આરોપી કોઈ વ્યક્તિ છે જ નહીં કારણ કે લૂંટનું નાટક પોતે કર્મચારીએ રચ્યું હતું. પોતાના મિત્રના ઘરે લાખ રૂપિયા અને મોબાઈલ મૂકી કર્મચારીએ પોલીસને લૂંટની ફરિયાદ નોંધાવી હતી. કર્મચારીએ દેવુ વધી જતા લૂંટનું નાટક ઘડ્યું હતું. આરોપી ચણિયાચોળીના વેપારીને ત્યાં નોકરી કરે છે.
બોમ્બે માર્કેટ પાસે લૂંટ : સોમવારે મોડી રાત્રે વરાછા પોલીસને જાણકારી મળી હતી કે બોમ્બે માર્કેટ નજીક ચણિયાચોળીના વેપારીના ત્યા નોકરી કરનારા કર્મચારીને ચપ્પુ બતાવી ચાર લાખ રૂપિયા અને મોબાઈલની લૂંટ કરવામાં આવી છે. ભરચક વિસ્તાર બોમ્બે માર્કેટ પાસે થયેલી આ લૂંટની ઘટનાની જાણકારી પોલીસને થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. કર્મચારીએ પોલીસને જે વિગતો આપી હતી તેના આધારે પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી હતી. તમામ સીસીટીવી ફૂટેજ પણ પોલીસે જોઈ લીધા હતા.
આ રીતે ખુલી પોલ : વરાછા પોલીસની તપાસમાં કર્મચારી જે રીતે લૂંટની ઘટના જણાવી રહ્યો હતો તે પ્રમાણે કોઈપણ સીસીટીવી ફૂટેજમાં તે જોવા મળ્યું ન હતો.આખરે પોલીસને કર્મચારી ઉપર જ શંકા ગઈ હતી. પોલીસે કર્મચારીની સઘન પૂછપરછ હાથ ધરી હતી. આખરે કર્મચારીએ જણાવ્યું હતું કે તેને જે લૂંટની ઘટનાનું નાટક કર્યું હતું.
લૂંટનું નાટક કરનાર કર્મચારી થાનારામ નુક્કડની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ અગાઉ જણાવ્યું હતું કે ત્રણ લોકોએ ચપ્પુ બતાવી તેની સાથે લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે અને ચાર લાખ રૂપિયા લઈને નાસી ગયા છે. આરોપી ચણિયાચોળીના વેપારીને ત્યાં નોકરી કરે છે તેથી વેપારીએ તેને આંગડિયામાંથી ચાર લાખ રૂપિયા લાવવા માટેની જવાબદારી આપી હતી. તે દરમિયાન તેને લાલચ આવી જતા તેને આ આખું કાવતરું રચ્યું હતું...અલ્પેશ ગાભાણી (પીઆઈ, વરાછા પોલીસ )
રુપિયા વતનમાં મોકલી આપ્યાં : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી ચાર લાખ રૂપિયા આંગડીયામાંથી લઈ મોબાઈલ અને રૂપિયા પોતાના મિત્રને આપી દીધા હતાં. જેથી તે આ રૂપિયા તેના વતનમાં મોકલી આપે અને લૂંટની ઘટના અંગે લોકોને જાણકારી આપી હતી. આરોપીએ આ ઘટના અંગે વધુમાં જણાવ્યું હતું કે તેને દેવું વધી ગયું હતું જેના કારણે તેને આ લૂંટની ઘટના અંગે લોકોને ખોટી માહિતી આપી હતી. આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.