સુરત : વચગાળાની જામીન મેળવી ફરાર થઈ ગયેલો ડ્રગ્સ માફિયા જ્યારે સોડા પીવા માટે દુકાન પર આવ્યો ત્યારે ફિલ્મી ઢબે સુરત સ્પેશિયલ ગ્રુપના પોલીસકર્મીએ દબોચી નાખ્યો હતો. ડ્રગ્સ માફિયા ઈસ્માઈલ ગુજ્જરે પત્નીની સારવાર માટે રૂપિયાની સગવડ કરવાના મુદ્દે જામીન મેળવ્યા હતાં. ફરાર ડ્રગ્સ માફિયા હંમેશા માટે ભાગી જવાના ફિરાકમાં હતો. પોલીસના હાથે ઝડપાઈ ન જાય આ માટે તેને પોતાનો મોબાઈલ પણ બંધ કરી દીધો હતો પરંતુ પોલીસે ફિલ્મી ઢબે તેની ધરપકડ કરી લીધી હતી.
પત્નીની સારવારના બહાને બહાર આવ્યો : નાર્કોટિક્સ જેવા ગંભીર ગુનામાં સુરત લાજપોર જેલમાં બંધ રાંદેર વિસ્તારનો કુખ્યાત ડ્રગ્સ ડીલર ઈસ્માઈલ ગુર્જર શેખ પત્નીની સારવાર માટે પૈસાની સગવડ કરવાના બહાને ગુજરાત હાઇકોર્ટમાંથી વચગાળાના જામીન મેળવી બહાર આવ્યો હતો. પરંતુ જેલમાં પરત હાજર નહીં થઈ ફરાર થઈ ગયો હતો. જેથી ડ્રગ્સ ડીલરને તાત્કાલિક શોધવા માટે એસઓજી દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી.
કોર્ટમાંથી રેગ્યુલર જામીન મળવા ખૂબ જ મુશ્કેલ હોવાથી પત્નીને પણ કોઈ પણ રીતે જામીન ઉપર કોર્ટમાંથી છોડાવી તેણે હંમેશા માટે ભાગી જવાનું કાવતરું રચ્યું હતું. પોલીસના હાથે ન ઝડપાઈ જાય તે માટે તેણે મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો. ત્યારબાદ પત્નીને પણ ગુજરાત હાઇકોર્ટમાંથી સારવાર કરાવવાના બહાને વચગાળાના જામીન મેળવવા અરજી કરી હતી. અરજી ઉપર હાઇકોર્ટે 27 સપ્ટેમ્બરના રોજ બે દિવસ માટે પોલીસ જાપ્તા સાથે વચગાળાના જામીન ઉપર છોડાવવા હુકમ કર્યા હતાં. જેથી પોતે પત્ની જેલમાંથી બહાર આવે કોઈ પણ રીતે તે ભગાડી જવાની ફિરાકમાં હતો પરંતુ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો... રાજદીપસિંહ નકુમ ( નાયબ પોલીસ કમિશનર )
એસઓજી પાછળ પડી : જે ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી સતત ડ્રગ્સ ડીલર ક્યાં છે. તે માટે વોચ રાખવામાં આવી રહી હતી. આ વચ્ચે એસોજીને બાતમી મળી હતી કે ઇસ્માઈલ સોડા પીવા માટે એક દુકાનમાં ઉભો છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમ દુકાન બહાર પહોંચી ગઈ હતી અને ફિલ્મી ઢબે પોલીસકર્મીઓએ પકડી પાડ્યો હતો. એટલું જ નહીં, આરોપી બચવા માટે ધમપછાડા કરી બાજુની દુકાનમાં ઘૂસી ગયો હતો. પરંતુ પોલીસે એ તેને છટકવા નહીં દઈ તેને જમીન ઉપર પછાડી દબોચી લીધો હતો.
વચગાળાના જામીન ઉપર છોડાવવા હુકમ : વર્ષ 2022માં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પુણા વિસ્તારમાંથી ઈબ્રાહીમ ઓડિયા અને તેની પત્ની તનવીર ઓડિયાને રૂપિયા 39.10 લાખ 39 ગ્રામ કોકીન સાથે ઝડપી પાડ્યા હતાં. છેલ્લા એક વર્ષથી તે લાજપોર જેલમાં બંધ હતો. તે દરમિયાન એન્ટિ ટેરિસ્ટ સ્કકોડ દ્વારા વડોદરા ગામના મોકસી ગામની હદમાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી. ત્યાંથી આશરે 22.50 કરોડ રૂપિયાની કિંમતનો 225 કિલોગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં પણ એટીએસએ આ ડ્રગ્સ ડીલરની ધરપકડ કરી હતી. આ બંને ગુના માટે કોર્ટમાંથી જામીન મંજૂર કરવામાં આવ્યા હતાં. આ કેસમાં સુરતના ડ્રગ્સ ડીલર ઈસ્માઈલનું પણ નામ બહાર આવ્યો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી.
22 જુલાઈથી લઈ 4 ઓગસ્ટના જામીન હતાં : ઇસ્માઈલ જેલમાં હોવાથી તેની આવક બંધ થઈ ગઈ હતી અને ડ્રગ્સનો ધંધો તેની પત્ની હીનાએ સંભાળી લીધો હતો. પરંતુ સુરત એસસોજીએ તેની પત્નીને પણ તારીખ 1 એપ્રિલના રોજ 50 લાખની કિંમતના મેકડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતી. ઈસ્માઈલ સાથે તે પણ લાજપોર જેલમાં બંધ હતી. પતિ પત્નીને રેગ્યુલર જામીન નામંજૂર કરવામાં આવ્યા હતાં. રેગ્યુલર જામીન મળવાની કોઈ શક્યતા નહીં જણાતા તેનાં બાળકો નાના હતા અને તેની પત્નીની સારવાર કરાવવા પૈસાની સગવડ કરવાના એવા અનેક કારણો જણાવી ગુજરાત હાઇકોર્ટમાંથી તારીખ 22 જુલાઈથી લઈ 4 ઓગસ્ટ સુધીના વચગાળાના જામીન મેળવી બહાર આવ્યો હતો.