સુરત: સામાન્ય રીતે પોલીસ ચોરની પાછળ દોડતી નજર આવે છે, પરંતુ સુરત શહેરમાં નજારો કંઈક અલગ જ જોવા મળ્યો. અહીં આરોપી અને પોલીસ બંને સાથે સાઇકલ ચલાવતા જોવા મળ્યા હતા. સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાં ગંભીર ગુનાઓને અંજામ આપનાર આરોપીઓ સાથે સાઇકલ રેલી કરીને તેમને મુખ્ય ધારામાં લાવવા માટે પ્રયાસ હાથ ધરાયો હતો.
સુરત પોલીસનો નવતર પ્રયોગ: કદાચ દેશમાં પ્રથમવાર હશે કે, પોલીસ અને આરોપીઓ સાથે સાઇકલ રેલીમાં જોડાયા હોય, સુરક્ષા શહેરના ઝોન થ્રી દ્વારા આયોજીત સાયકલ રેલીમાં માત્ર પોલીસ સ્ટેશનના પોલીસ ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ જ નહીં પરંતુ ગંભીર ગુનાઓને અંજામ આપનાર ગુનેગારો પણ સામેલ થયાં હતા. સુરત શહેરના ઝોન થ્રી માં આવનાર તમામ વિસ્તારમાં સુરત પોલીસના જવાનો અને ગુનાહિત ઇતિહાસ ધરાવનાર આરોપીઓ એક સાથે સાઇકલ રેલી કરી લોકોને જણાવ્યું હતું કે, તેમને સુધારવાની એક તક આપવી જોઈએ.
પોલીસ-ગુનેગારોની સાઈકલ રેલી: વિદેશોમાં પણ આવી જ રીતે આરોપીઓને તક આપવામાં આવે છે કે, અપરાધની દુનિયાને છોડીને તેઓ સામાન્ય નાગરિકની જેમ જીવન પસાર કરે આ જ ઉદ્દેશ સાથે સુરત પોલીસે પણ સાઇકલ રેલી આયોજિત કરી તેમાં અપરાધીઓને તક આપી હતી કે, તેઓ પણ પોલીસની સાથે આ રેલીમાં જોડાય લોકો તેમને જુએ અને તેમને સમાજમાં એક દરજ્જો મળી શકે, જેથી તેઓ પણ સામાન્ય નાગરિકની જેમ જીવન વ્યતિત કરી શકે અને અપરાધની દુનિયા છોડી શકે.
આરોપીઓને સુધારવાનો પ્રયાસ: આ સમગ્ર મામલે સુરત પોલીસના ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, આ સાયકલ રેલીમાં કતારગામ, મહીધરપુરા અને લાલચોક વિસ્તાર ખાતે આવેલા તમામ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ સહિત પોલીસના જવાનો જોડાયા હતા, સાથે જ ગંભીર ગુનાના આરોપીઓ પણ આ સાયકલ રેલીમાં સામેલ થયા હતા. જેથી અમે આ આરોપીઓને એક તક આપી શકીએ કે તેઓની અંદર સુધારા આવે અને સમાજમાં એક સારો દાખલો પણ આપી શકીએ.