જીડીપી ગ્રોથમાં ભારતમાં સુરતનુ રહેલ અગ્રસ્થાન અને સરકારની વિવિધ સ્કીમના લાભને કારણે વેપારના વિકાસને મળેલ ગતિ વિશે ચેમ્બરે સૌપ્રથમ વડાપ્રધાનનો આભાર માન્યો હતો. ત્યારબાદ ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ સહિત અન્ય ઇન્ડસ્ટ્રીના મુખ્ય પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆતો કરી તેના વિકાસ માટે વિગતવાર ચર્ચા કરી હતી.
- ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રજૂઆત....
ચેમ્બરના પ્રમુ કેતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, સુરત એરપોર્ટથી ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફલાઇટો તેમજ કાર્ગોની ફેસિલીટીને વધારવા માટે રજૂઆત કરી કરવામાં આવી હતી. સુરતમાં હજીરા ખાતે અદાણી પોર્ટને વધારે ડેવલોપ કરવા માટે સાયણથી કૃભકો સુધીની રેલવે લાઇનને અદાણી પોર્ટ સુધી લંબાવવાની માંગ કરવામાં આવી હતી. જેથી કરીને પોર્ટથી ઇમ્પોર્ટ–એક્ષ્પોર્ટ થતા કન્ટેનરોની અવરજવર વધી શકે. તદુપરાંત ઘોઘા અને દહેજ વચ્ચેની રો રો ફેરી ટેકનીકલ કારણોસર બંધ થઇ ગઇ છે તેને ફરીથી શરૂ કરાવી હજીરા સુધી લંબાવવા માટે રજૂઆત કરી હતી.
- એમએસએમઇ ક્ષેત્રે રજૂઆત....
સુરત સહિત દક્ષિણ ગુજરાત એમએસએમઇનું હબ હોવાથી ઉદ્યોગોમાં એફીશિયન્સી, સ્કીલ, માઇન્ડસેટ અને એથીકલ બિઝનેસના અપગ્રેડેશન માટે લાંબી ચર્ચા થઇ હતી. ટેક્ષ્ટાઇલ માટે ખૂબ જ જરૂરી એવા કોમન ફેસિલીટી સેન્ટરો ઉભા થાય તેના માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. એમએસએમઇ ઉદ્યોગોને લેવલ પ્લેઈંગ ગ્રાઉન્ડ મળી રહે તેવી રજૂઆત કરી હતી. સાથે જ સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવા માટે વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા વિનંતિ કરવામાં આવી હતી.
- ડાયમંડ ક્ષેત્રે રજૂઆત....
ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ઇનપુટ ટેક્ષ ક્રેડીટ અને લીકવીડીટીના પ્રશ્નનો સત્વરે નિકાલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સુરતમાં વેલ્યુ એડીશન માટે જવેલરી ઉદ્યોગને વધારે વિકસાવવા માટે સરકાર દ્વારા સહયોગ આપવામાં આવે તે વિશે રજૂઆત થઇ હતી. સુરતમાં લેબગ્રોન ડાયમંડ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
- ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે રજૂઆત....
ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં વિવિંગ અને પ્રોસેસિંગમાં લીકવીડીટી અને ક્રેડીટ રીફંડની પ્રોસેસ ઝડપથી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પાવર ટેરીફના પ્રશ્ને પણ રજૂઆત થઇ હતી. સુરતના ફેબ્રિકના નિકાસ માટે વેલ્યુ એડીશન ક્ષેત્રમાં સહયોગ આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. સુરતનુ કાપડ વિશ્વની સ્પર્ધામાં ટકી રહે એ માટે પણ સરકાર દ્વારા જરૂરી પ્રયત્નો થાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
- વિવિધ ક્ષેત્રે રજૂઆત....
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચરના પ્રશ્ને તથા તેમના વિકાસ માટે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત એકવા કલ્ચર, કેમિકલ અને રીયલ એસ્ટેટ સહિતની વિવિધ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી.
- ચેમ્બરના ‘દિવ્યાંગ એક્ષ્પો’ વિશે વડાપ્રધાન સાથે વિશેષ ચર્ચા....
ચેમ્બર દ્વારા એકસકલુઝીવ ‘દિવ્યાંગ એક્ષ્પો’ કરવાનું પ્લાનીંગ કરવામાં આવ્યુ છે. આ અંગે માનનીય વડાપ્રધાન સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. દિવ્યાંગોના વિકાસ માટે તેમણે અંગત રસ દાખવ્યો હતો અને ચેમ્બરને કેટલાક સૂચનો પણ કર્યા હતા.
- વડાપ્રધાનને ચેમ્બરનું આમંત્રણ....
ચેમ્બરનું ફલેગશીપ એકઝીબીશન ‘ઉદ્યોગ’ જાન્યુઆરી 2020માં યોજાશે. મે 2020માં ચેમ્બરની વાર્ષિક સાધારણ સભા અને ઇન્સ્ટોલેશન સેરેમની યોજાશે. જયારે ડિસેમ્બર 2020માં વાઇબ્રન્ટ ગુજરાત યોજાશે. આ ત્રણ પ્રસંગોમાં પધારવા માટે વડાપ્રધાનને ચેમ્બર દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે સરકારની વિવિધ યોજનાઓની જગજાગૃતિ માટે ચેમ્બર દ્વારા સરકારને સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી.