સુરત: પીપલોદ ખાતે રાહુલ રાજ મોલની પાછળની મંગળવારે રાત્રે સુતેલા અને વોકિંગ પર નીકળેલા યુવક સહિત કુલ 10 જેટલા લોકોને ઝેરી ગેસ ગૂંગળામણના કારણે ઉલ્ટી, ખાંસી, ગળામાં બળતરા તેમજ શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. તમામને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં બે ભંગારવાળાઓ સામે મનુષ્યવધના પ્રયાસની કલમ સાથેનો ગુનો નોંધાયો છે.
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પીપલોદ ખાતે રાહુલ રાજ મોલની પાછળ ઝુપડીમાં રહેતો 27 વર્ષિય રીતેશ બલ્લુ ભીલ પરિવાર સાથે મંગળવારે રાત્રે સુતેલો હતો. ત્યારે ત્યાં જ ઝુપડપટ્ટીમાં રહેતા એક શ્રમજીવી યુવકને ભંગારમાં ક્લોરીનના ગેસની બોટલનો વાલ ખોલ્યો હતો. અચાનક બોટલમાંથી ક્લોરીન ગેસ લિકેજ થયો હતો. દરમિયાન ઝૂંપડામાં સુતેલા ચાર નાના બાળકો, મહિલા સહિત કુલ દસ લોકોને ગેસ દુર્ગંધથી ગળામાં બળતરા, ખાંસી, ઉલટી તેમજ શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી.
ક્લોરિન ગેસથી અસર થયાનું ધ્યાને આવતા કાર્યવાહી: ઉમરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જે.જી.પટેલે જણાવ્યું હતું કે, તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાને લઈ બુધવારે સવારે ફાયર વિભાગ, જીપીસીબી, પોલીસ તેમજ ગેસ કંપનીના અધિકારીઓએ પણ તપાસ શરૂ કરી હતી. ઘટના અંગે પોલીસ અને એફએસએલ દ્વારા તપાસ પ્રાથમિક રિપોર્ટમાં ક્લોરિન ગેસથી અસર થયાનું ધ્યાને આવતા ઉમરા પોલીસે આજે મગદલ્લામાં ભંગારની દુકાન ધરાવતા ઇરફાન સપત ખાન અને રાજુ જાનકી લાલ શર્માની સામે મનુષ્યવધના પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.