સુરત: શહેરના સિટીલાઈટ વિસ્તાર સ્થિત મહેશ્વરી ભવન ખાતે અનોખો ફેશન શો યોજાયો હતો. આ ફેશન શોમાં કેન્સર સર્વાઈવર્સે રેમ્પ વોક કર્યુ હતું. બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ગ્રૂપ (B CAG) દ્વારા આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શોમાં કેન્સરના દર્દીઓ, કેન્સર મુક્ત બનેલ વ્યક્તિઓ, કેન્સરના નિષ્ણાંત ડૉક્ટર્સ, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ઉપસ્થિત દરેક વ્યક્તિએ આ કાર્યક્રમની સફળતામાં સહકાર આપ્યો હતો.
કેન્સર અવેરનેસ આવશ્યકઃ કેન્સર જીવલેણ રોગ છે અને કેન્સરની સારવાર દર્દી માટે પીડાકારક હોય છે. કેન્સર સામેની આ લડતમાં દર્દી ઉપરાંત તેનો સમગ્ર પરિવાર પણ મુશ્કેલીઓ ભોગવતો હોય છે. આવા સમયે કેન્સર રોગ વિશે લોકોમાં અવેરનેસ આવે તે બહુ આવશ્યક છે. કેન્સરની જેટલી અવેરનેસ વધુ તેટલી કેન્સર વિરુદ્ધની લડત સરળ બનતી જાય છે. તેથી જ કેન્સરની અવેરનેસ ફેલાવવા માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ગ્રૂપ (B CAG) મેદાને પડ્યું છે. આ ગ્રૂપ દ્વારા કેન્સર સર્વાઈવર્સનો અનોખો ફેશન શો યોજવામાં આવ્યો હતો. આ ફેશન શોમાં કોઈ મોડલ્સ કે સેલેબ્સ નહીં પરંતુ કેન્સર સર્વાઈવર્સ દ્વારા રેમ્પ વોક કરવામાં આવ્યું હતું.
B CAG સંસ્થાઃ સમાજમાં કેન્સરની અવેરનેસ લાવવા માટે B CAG સંસ્થાએ બીડું ઝડપ્યું છે. આ સંસ્થાની શરૂઆત પૂનમ પારાશર દ્વારા કરવામાં આવી છે. પૂનમ પોતે બ્રેસ્ટ કેન્સર સર્વાઈવર છે. કેન્સર વિરુદ્ધની લડાઈ જીત્યા બાદ પૂનમ પારાશરે પોતે લોકોમાં કેન્સર પ્રત્યે અવેરનેસ લાવવા માટે કમર કસી છે. તેમની આ સંસ્થા B CAG દ્વારા કેન્સર અવેરનેસના અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. પૂનમ પારાશરને કેન્સર અવેરનેસ કેમ્પેઈનમાં તેમના પતિ ડૉ. મુકેશ પારાશરનો સંપૂર્ણ સાથ અને સહકાર મળી રહ્યો છે.
હું પોતે બ્રેસ્ટ કેન્સર સર્વાઈવર છું. કેન્સર જેવી પીડા થી જ્યારે હું મુક્ત થઈ ત્યારે વિચાર્યું કે લોકોમાં કેન્સર પ્રત્યે અવેરનેસ આવે, કારણ કે કેન્સર પછી જે જીવન છે એ ખૂબ જ મુશ્કેલ ભર્યું હોય છે. જેથી અમે મહિલાઓને મોટિવેટ કરવા માટે આ ફેશન શોનું આયોજન કર્યુ છે. જેમાં કેન્સર સર્વાઈવર્સ દ્વારા રેમ્પ વોક કરવામાં આવ્યું છે...પૂનમ પારાશર(સ્થાપક, B CAG સંસ્થા)
આ ફેશન શોનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃતિ લાવવાનો છે, કારણ કે બ્રેસ્ટ કેન્સર એક એવો રોગ છે જેમાં નિદાન મોડું થાય છે અને જેથી શરીરમાં બ્રેસ્ટ કેન્સર ઝડપથી ફેલાય છે. આ કારણે મહિલા શારીરિક અને માનસિક જ્યારે પરિવાર આર્થિક રીતે તૂટી જાય છે. જો મહિલાઓને એડવાન્સ સ્ટેજમાં આ મુદ્દે માહિતી મળે તે આવશ્યક છે. દર વર્ષે અમે સેમિનાર, વર્કશોપ ફ્રી ચેકઅપ કેમ્પ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. દરેક કેમ્પમાં એક થી બે મહિલાઓ બ્રેસ્ટ કેન્સરથી પીડિત હોવાનું જાણવા મળે છે. અમે તેમને માર્ગદર્શન આપીએ છીએ અમારુ લક્ષ્ય 10000 પરિવાર સુધી પહોંચવાનું છે અમે 6000 પરિવાર સુધી પહોંચી ગયા છીએ... ડૉ. મુકેશ પારાશર (સહસંસ્થાપક, B CAG સંસ્થા)