સુરત : 2024 લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ તમામ રાજકીય પક્ષો ફરી સક્રિય થયા છે. ફરી એકવાર તોડજોડની નીતિ શરૂ થઈ ગઈ છે. ગત રવિવારના રોજ કામરેજ તાલુકાના દાદા ભગવાન ખાતે ભાજપ દ્વારા પ્રવેશ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાજપના પ્રવેશ સમારોહમાં કોંગ્રેસના બે સભ્ય મંત્રી કુંવરજી હળપતિના હસ્તે ખેસ પહેરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જો આ બંને ટૂંક સમયમાં કોંગ્રેસમાં વળતા પાણી કર્યા છે.
ભાજપ છોડી ઘર વાપસી કરી : માંડવી તાલુકા પંચાયતના કોંગ્રેસના બે સભ્યો પણ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયેલા માંડવી તાલુકા પંચાયત સભ્ય પ્રદીપ ચૌધરી અને મુકેશ ચૌધરી આજે ફરી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ નેતા આનંદ ચૌધરીના કાર્યાલય પર બંને સભ્યોને ફરી ખેસ ધારણ કરાવ્યો હતો. કોંગ્રેસના બન્ને નેતાની ઘર વાપસીને લઈને માંડવી વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીએ નિવેદન પણ આપ્યું હતું
આ બંને સભ્યોને ભોળવી અને છેતરીને કાર્યાલય પર લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ભાજપનો ખેસ પહેરાવી દીધો હતો. સોશિયલ મીડિયામાં ફોટાઓ વાયરલ થતાં અમને જાણ થઈ હતી. એટલે અમે તુંરત તેઓનો સંપર્ક કર્યો હતો. આજે બન્ને સભ્યો કોંગ્રેસમાં પરત જોડાયા છે. ભાજપ વિકાસના કામમાં ધ્યાન આપતું નથી. અમારી પાર્ટીના કાર્યકરોને તોડી રહ્યું છે. જ્યારથી તાલુકા પંચાયત ભાજપની બની છે, ત્યારથી અમારા ચુંટાઈ આવેલા 10 સભ્યોને તાલુકા પંચાયતમાંથી પણ ગ્રાન્ટ ફાળવતા નથી. નાણાં પંચની કામોની વહેંચણીમાં પણ બાકાત રાખે છે. આ બાબતે અધિકારીઓને પણ રજૂઆત કરી છે. - આનંદ ચૌધરી (પૂર્વ ધારાસભ્ય)
કોણ કોણ હાજર રહ્યું હતું : આ ભાજપના પ્રવેશ સમારોહમાં માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય પ્રધાન કુંવરજી હળપતિ, કામરેજના ધારાસભ્ય શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા, સુરત જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ ભરત રાઠોડ સહિતના હોદ્દેદારો હાજર હતા. જ્યાં કોંગ્રેસ, બીટીપી સહિતના પક્ષોના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. તમામ કાર્યકરો અને હોદેદારોનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.