સુરતઃ શહેરના અઠવા વિસ્તારમાં 2થી 3 માસ અગાઉ થયેલી યુવકની હત્યાની અદાવત રાખી આરોપીના માતા-પિતા પર અજાણ્યા શખ્સો દ્વારા સમી સાંજે જીવલેણ હુમલો કરી દેવામાં આવ્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત બંને આધેડ દંપતીને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લોકોની ભારે અવરજવર વચ્ચે જીવલેણ હુમલાની આ ઘટના બની હતી. જ્યાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણકારી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે જઇ રહી છે. ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે. કતારગામ સ્થિત વેડ રોડ ખાતે માથાભારે શખ્સ સૂર્યા મરાઠી સહિત ડબલ મર્ડરની ઘટના હજી શમી ન હતી, ત્યાં સમી સાંજે સુરતના અઠવા સ્થિત કૈલાશ નગર વિસ્તારમાં શાકભાજીની લારી ચલાવતા આધેડ દંપતી પર લોકોની ભારે અવરજવર વચ્ચે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી દીધો હતો.આ ઘટના બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જ્યાં બનાવની જાણકારી મળતા અઠવા પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કૈલાશ નગર વિસ્તારમાં શાકભાજીની લારી ચલાવતા જયેશ પટેલ અને તેમની પત્ની અમીતા બેન પર જીવલેણ હુમલાની આ ઘટના બની હતી.
શાકભાજીની લારી ચલાવતા આધેડ દંપતી પર બાઇક પર આવેલા અજાણ્યા બે શખ્સો હુમલો કરી નાસી છૂટયા હતા. જયેશભાઇને માથામાં ફટકા તેમજ ઘા મરાયા હતા. થોડા માસ અગાઉ જ કૈલાશ નગર વિસ્તારમાં હત્યા કેસ મામલો સામે આવ્યો હતો. અક્ષય પટેલ અને બોની પટેલ બન્ને ભાઈઓની હત્યા કેસના આરોપમાં ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જ્યાં આ હત્યા કેસમાં આરોપીઓના માતા-પિતાને ટાર્ગેટ કરી હુમલો કરવામાં આવ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. જે અંગે હાલ અઠવા પોલીસ તપાસ કરી રહી છે.
જો કે સુરતમાં બનેલી આ ઘટના બાદ સ્થાનિક પોલીસની આરોપીઓ પ્રત્યેની પકડ અને ઢીલી કામગીરીનો દાખલો સામે આવી ચુક્યો છે. જેના કારણે સુરતમાં કાયદો, વ્યવસ્થા કથળતી સ્થિતિ સામે સવાલ ઉભા થયા છે.