- સુરતમાં એસઓજીના એએસઆઈને વાહનચાલકે મારી ટક્કર
- વાહનની ટક્કરથી એએસઆઈ છગન ડામોરનું મોત નીપજ્યું
- મૃતક ASIએ વર્ષ 2004માં છોટા રાજનના શાર્ટશૂટરને પકડ્યો હતો
સુરતઃ અલથાણ હરિઓમનગર ખાતે રહેતા 40 વર્ષીય છગન મનાભાઈ ડામોર એસઓજીમાં એએસઆઈ હતા. શનિવારે સાંજે તેઓ મોપેડ પર નોકરીએથી ઘરે પરત આવી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે તેમને અડફેટે લીધા હતા. છગનભાઈને સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. તેઓના મોતને પગલે પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. તેમણે વર્ષ 2004માં છોટા રાજનના શાર્પશૂટર આનંદ ચિકનાને હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો. અને હાલ તેઓ એસઓજીમાં ASI તરીકે ફરજ બજાવતા હતા. સુરતમાં પોલીસકર્મીઓએ તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આરોપીને પકડવા પોલીસે તપાસ શરૂ કરી
એએસઆઈ છગન મનાભાઈ ડામોરને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા તેઓનું નિધન થયું હતું. આ મામલે ખટોદરા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાની દિશામાં કામ શરૂ કર્યું છે. આ સાથે પોલીસે આરોપીને પકડવા અલગ અલગ ટીમ પણ બનાવી છે.