સુરત : શહેરમાં અવારનવાર અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માતમાં એક માસૂમ બાળકનું મૃત્યુ થયું હતું. રસ્તા પર પરિવાર સાથે જઈ રહેલ મહિલાની સાડીનો છેડો બાઈકના પાછળના ટાયરમાં ફસાઈ જવાની પુત્ર સહિત રોડ પર પટકાયા હતા. આ દુર્ઘટનામાં રોડ પર પટકાયેલા માસુમ બાળકનું મોત થવાની ઘટના સામે આવી છે.
માતા-પુત્ર રોડ પર પટકાયા : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભોલાવ ગામ આવેલ સુખ સાનિધ્ય રેસીડેન્સીમાં રહેતા 33 વર્ષીય નાગેન્દ્રભાઈ ઉમાશંકર પટેલ અંકલેશ્વર ખાતે આવેલ કાપડ માર્કેટમાં નોકરી કરે છે. તેઓ ગઈકાલે સાંજે તેમની પત્ની સાથે દોઢ મહિનાના પુત્ર રૂદ્રને ૨સી મુકાવવા માટે સાયણ હોસ્પિટલ ખાતે બાઈક ઉપર જઈ રહ્યા હતા. ત્યારે કીમ જીઈબી ઓફિસ પાસે તેમની પત્નીની સાડીનો પાલવ બાઈકના પાછળના વ્હીલમાં ફસાઈ જતા તેમની પત્ની અને દોઢ મહિનાનો રૂદ્ર બાઈક પરથી નીચે પટકાયા હતા. અકસ્માત સર્જાતા જ સ્થાનીકો ત્યાં દોડી આવ્યા હતા.
દોઢ માસના બાળકનું મોત : આ અકસ્માતમાં મહિલાને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. જ્યારે બાળકના માથે ગંભીર ઈજાઓ હોવાના કારણે સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. જ્યારે મહિલાની સિવિલ હોસ્પિટલની નવી કિડની બિલ્ડિંગમાં સારવાર ચાલી રહી છે. જોકે, દોઢ મહિનાના પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
મહિલા સારવાર હેઠળ : આ બાબતે મૃતક બાળકના પિતા નાગેન્દ્રભાઈએ જણાવ્યું કે, આ ઘટના ગઈકાલે સાંજે બની હતી. હું અને મારી પત્ની અમારા દોઢ મહિનાના પુત્રને રસી અપાવવા માટે લઈ જતા હતા. ત્યારે કીમ જીઈબી ઓફિસ પાસે જ અચાનક જ મારી પત્ની અને બાળક પાછળથી નીચે પડી ગયા હતા. મેં તાત્કાલિક બાઈક ઉભી રાખી. પહેલા રુદ્રને જોયો, ત્યારબાદ ઉમાને સ્થાનિક લોકોએ ઉભા કરીને રોડના સાઈડ ઉપર બેસાડી દીધા હતા. પરંતુ ઉમા અને રુદ્ર બંનેને ગંભીર ઈજાઓ હોવાને કારણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે રુદ્રને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. જ્યારે મારી પત્ની ઉમાને સારવાર માટે દાખલ કરવામાં આવી છે.