સુરત : 25 વર્ષ પહેલા હત્યાના ગુનાને અંજામ આપનાર આરોપીને એમ હતું કે ૨૫ વર્ષ વીતી ગયા અને હવે પોલીસ તેને ક્યારેય પકડી શકશે નહી. પરંતુ સુરત પોલીસે તેની આ ધારણાને ખોટી પાડી દીધી છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે 25 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. હત્યાના આરોપીની ઉંમર હાલમાં ૫૫ વર્ષ છે .
25 વર્ષે થપ્પો : સુરત પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સ્પેશીયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે, ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનાનો આરોપી આંધપ્રદેશ ખાતે ફરી રહ્યો છે. બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની એક ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસે 55 વર્ષિય આરોપી હાથી કાલીયા ઉદય જૈનાને ઝડપી પાડ્યો હતો.
અમને માહિતી મળી હતી કે હત્યાનો આરોપી આંધ્રપ્રદેશ છુપાયેલો છે. આરોપીની ધરપકડ કરવી એટલી આસાન નહોતી. કારણ કે 25 વર્ષ વીતી ચુક્યા હતા અને આરોપીનો ફોટો અથવા અન્ય કોઈ માહિતી પોલીસ પાસે નહોતી. જોકે, તેના ડાબા હાથનો અંગુઠો કપાયેલો છે તે માહિતી પોલીસ પાસે હતી. આ માહિતીના આધારે પોલીસે હત્યારાને ઓળખી કાઢી તેને ઝડપી પાડ્યો હતો. હત્યા પૈસાની લેતી દેતી મામલે થઈ હતી.-- લલિત વાઘડીયા (PI, સુરત ક્રાઈમ બ્રાન્ચ)
હત્યા કરી ફરાર : આરોપી 1999 ની સાલમાં સુરતમાં રહેતો હતો. તે સમયે પૈસાની લેતી દેતી બાબતે તેનો કબી પુનિયા સાથે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને આરોપી કબી પુનિયાને ભરથાણા ગામની સીમમાં લઇ ગયો હતો. જ્યાં તેના મિત્ર દુર્ગો ગોડ સાથે મળીને કબી પુનિયાનું અસ્ત્રાથી ગળું કાપી તેની હત્યા કરી નાખી હતી. એટલું જ નહી તેની લાશને નહેરમાં નાખીને આરોપી તેના વતન ઓરિસ્સા ભાગી ગયો હતો. જોકે, ત્યાં પણ પોલીસ શોધખોળ માટે આવતી હોવાથી તે આંધ્રપ્રદેશ રહેવા ચાલ્યો ગયો હતો. મળતી માહિતી મુજબ આરોપી આંધ્રપ્રદેશમા કડીયાકામ કરતો હતો.