સુરતના વોર્ડ નંબર 17ના ભાજપ કોર્પોરેટર વિજય ચૌમાલ સામે સુરત ACBમાં રૂપિયા પાંચ લાખની ખંડણી માંગી હોવાની લેખિતમાં છગન મેવાડા નામના યુવકે અરજી કરી હતી, ત્યારે ભાજપ કોર્પોરેટરે પોતાના પર લાગેલા આરોપોને ફગાવ્યા હતાં. ભાજપ કોર્પોરેટર વિજય ચૌમાલ સહિત ભાજપ નેતા પીવીએસ શર્મા સુરત પોલીસ કમિશ્નર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતાં, ત્યાં પોલીસ કમિશ્નરને મળી લેખિતમાં તેમણે રજૂઆત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, તેઓ ભાજપના વોર્ડ નંબર 17ના કોર્પોરેટર છે અને તેમની છબીને ખરડાવવા માટેનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. છગન મેવાડા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ કોંગ્રેસ પ્રેરિત છે. એટલું જ નહીં પરંતુ, છગન મેવાડા દ્વારા પોતાના વિસ્તારમાં આવેલા કોમન પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. જે અંગેની રજૂઆત સ્થાનિક લોકો દ્વારા ઝોનમાં પણ કરવામાં આવી હતી, ત્યારે એક સ્થાનિક કોર્પોરેટર હોવાની ફરજે જાતે અધિકારીઓને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પોતાના ગેરકાયદેસર બાંધકામને બચાવવા માટે છગન મેવાડા દ્વારા મારી અને પાર્ટીની છબીને હાની પહોંચાડવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી એસઆઇટી અથવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરાવવા માગ કરવામાં આવી હતી.