સુરત : કોરોના વાઈરસની વૈશ્વિક મહામારી વચ્ચે શાળાઓમાં હાલ પૂરતું શૈક્ષણિક સત્ર બંધ રાખવાના આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. પરંતુ સુરતની કેટલીક ખાનગી શાળાઓ સરકારના આદેશને પણ ઘોળીને પી ગઈ છે.
દુનિયાભરમાં કોરોના મહામારી ચાલી રહી છે. જેના પગલે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા સરકાર દ્વારા આદેશ કરાયા હતા. તેમ છતાં શહેરના ઉધના ખરવર નગર વિસ્તારમાં આવેલી બચકાનીવાળા શાળાએ ધો-9ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેતા વિવાદમાં સંપડાઈ છે.
આ અંગે વાલીએ જણાવ્યું હતું કે, શાળા દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામા આવ્યું છે. પરંતું વિદ્યાર્થીઓને તેમાં ફાવતું નથી. જેથી સૌ વાલીઓએ મળી આ અંગે શાળા સંચાલકને સોસીયલ ડિસ્ટન્સિંગ રાખી રી- એક્ઝામ અને શિક્ષણ આપવા રજૂઆત કરી હતી.
આ બાબતની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં પાલિકાના અધિકારીઓ આવતા વિદ્યાર્થીઓને ઘરે રવાના કરાયા હતા.
આ અંગે શાળા સંચાલક રીટાબેન ફુલવાળાએ પોતાનો પક્ષ મુકતા ટેલિફોનિક સંપર્કમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિત માટે વાલીઓની રજૂઆત બાદ તેઓને રી- એક્ઝામ માટે બોલાવવામાં આવ્યા છે.
સૌથી મોટો પ્રશ્ન હાલ તે ઉપસ્થિત થાય છે કે, રાજ્ય સરકારના આદેશ હોવા છતાં શાળા સંચાલક આદેશથી ઉપરવટ જઇ પોતાની મનમાની ચલાવી રહી છે.જો કોઈ વિદ્યાર્થી કલાસરૂમમાં કોરોના સંક્રમિત હોય અને અન્ય વિદ્યાર્થીઓને તેનો ચેપ લાગે તો તેના માટે જવાબદાર કોન રહેશે તે પણ એક મોટો સવાલ છે. આ મામલે તો સુરત જિલ્લા શિક્ષણ અધિકારી જાતે ઊંઘતા ઝડપાયા છે. જાણે સમગ્ર શિક્ષણ અધિકારી આ મામલા સામે આંખ આડા કાન કરતા હોય તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, ત્યારે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તે આગામી સમયમાં જોવાનું રહેશે...