- 1999માં થયા હતા લગ્ન
- હાલમાં બંનેને સંતાનમાં 20 વર્ષનો પુત્ર અને 19 વર્ષની પુત્રી છે
- પતિને ત્રિપુરા બંદોબસ્ત દરમિયાન થયો યુવતી સાથે પ્રેમ
સુરતઃ કામરેજના વાવ ખાતે SRP કેમ્પમાં રહેતા SRP જવાને પત્ની હોવા છતાં લગ્નના 21 વર્ષ બાદ ત્રિપુરાની એક યુવતી સાથે મંદિરમાં લગ્ન કરી તેને પત્ની તરીકે પોતાના ઘરે મહુવા તાલુકાનાં ઝરી ઝેરવાવરા ગામે લઈ આવતા પત્નીએ મહિલા પોલીસ મથકમાં SRP જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
યુવકે પત્નિ હોવા છતા કર્યા લગ્ન
મૂળ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાનાં કલકવા ગામે રહેતા ચંદુભાઈ મગનભાઈ ઢોડિયાની પુત્રી હિનાના લગ્ન 1999માં મહુવા તાલુકાના ઝરી ઝેરવાવરા ખાતે રહેતા ભરતભાઇ પાનુભાઈ નેતા સાથે થયા હતા. લગ્ન બાદ તેમને હાલમાં બે સંતાનો છે. જેમાં 20 વર્ષનો પુત્રને 19 વર્ષની પુત્રી છે. લગ્નબાદ ભરતભાઇની નોકરી SRPમાં કોન્સટેબલ તરીકે લગતા તેઓ પતિ પત્ની અને બંને બાળકો સાથે SRP ગ્રુપ વાવ ખાતે આવેલા સરકારી ક્વાટર્સમાં રહેવા જતાં રહ્યા હતા. થોડા દિવસ સારી રીતે રહ્યા બાદ બંને વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો પરંતુ બાળકોનું ભવિષ્ય ખરાબ ન થાય તે હેતુથી હિના પતિ સાથે રહેતી હતી.
ત્રિપુરામાં બંદોબસ્ત દરમિયાન યુવતી સાથે બંધાયા અનૈતિક સંબંધો
દરમિયાન આજથી એક વર્ષ પહેલા પતિ ભરત SRP કેમ્પમાંથી બંદોબસ્ત માટે ત્રિપુરા ગયો હતો. જ્યાં તેને ત્રિપુરાની એક યુવતી સાથે આડા સંબંધ બંધાયા હોવાનું હિનાના ધ્યાને આવ્યું હતું પરંતુ હિના તેને પૂછવાની હિંમત કરી શકી ન હતી. પત્નીને સંતાનો સાથે પિયર મૂકી આવ્યા બાદ ગાયબ થઈ ગયો હતો. તે દરમિયાન ભરતે કેમ્પમાંથી બે દિવસની રજા લઈને હિના અને તેના સંતાનોને ગત 4 ડિસેમ્બર 2020ના રોજ તેના માત-પિતાના ઘરે મૂકી આવી તે ક્યાંક જતો રહ્યો હતો. બે દિવસ સુધી પરત ન આવતા ફોન પર સંપર્ક કર્યો પરંતુ બંધ આવતો હતો.
પતિએ પત્નીને અપશબ્દો કહી ઘરમાંથી કાઢી મૂકી
બાદમાં હિના બારડોલી ખાતે સરદાર વિલા સોસાયટીમાં રહેતી તેની મોટી બેનના ઘરે વાસ્તુમાં ગઈ હતી. જ્યાં તેનો પતિ ભરત પણ આવ્યો હતો. ભરતે હિનાને વાત કરવા માટે સોસાયટીના ગેટ પર બોલાવી હતી પરંતુ હિના ત્યાં ગઈ ન હતી. જો કે ત્યાર પછી પતિ ભરત પાછો ક્યાક જતો રહ્યો હતો. આ દરમિયાન ભરત બજારમાં તેના સાઢુભાઈને મળતા પોતે ત્રિપુરાની યુવતી સાથે મંદિરમાં લગ્ન કરી લીધા હોવાની હકીકત જણાવી હતી. આ વાતની જાણ થતાં જ હિના પરિવારના સભ્યો સાથે સાસરીએ ઝરી ઝેરવાવરા ગામે ગઈ હતી, પરંતુ ત્યાં હાજર ભરતે હિનાને અપશબ્દો કહી ઘરમાંથી કાઢી મૂકી હતી.
પોલીસે આગળની તપાસ હાથ ધરી
જ્યારે ત્રિપુરાથી લાવેલી યુવતીને અન્યના ઘરમાં સંતાડી દીધી હોવાનો આરોપ પણ મહિલાએ લગાવ્યો હતો. આથી હિનાએ ભરત વિરુદ્ધ સુરત જિલ્લા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે ઇ.પી.કો.ની કલમ 498(ક) અને 504 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.