ગુજરાત એસપીજી સંસ્થાના અધ્યક્ષ લાલજી પટેલ આજે સુરતમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટનામાં હોમાઈ ગયેલા મૃતકના પરિવારજનોની મુલાકાતે આવ્યા છે. જ્યાં તેમણે આ ઘટનાને ખુબ દુઃખદ ગણાવી હતી અને મૃતક બાળકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યુ હતું. લાલજી પટેલે જણાવ્યું કે, આ ઘટનામાં નાની માછલીઓનો ભોગ લેવામાં આવ્યો છે. જ્યારે મગરમચ્છનો બચાવ કરી લેવામાં આવ્યો છે. તેમણે જવાબદારો સામે કડકથી કડક પગલા ભરવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી છે.
વધુમાં પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી કસુરવારો સામે પગલાં ભરવા જોઈએ. તંત્રની આળસ સામે હવે પ્રજાએ પણ જાતે જાગૃત થવાની જરૂર છે. હાર્દિક અંગે લાલજી પટેલે જણાવ્યું કે, હાર્દિક રાજકારણમાં ગયા છે તે તેનો નિર્ણય છે આ સમયે રાજકારણની વાતો કરવી તે યોગ્ય નથી. મૃતકના પરિવારોને ન્યાય મળે તે અમારી પ્રાથમિકતા છે જેથી આ મામલે આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજુવાત કરવામાં આવશે.