મળતી માહિતી મુજબ, પિતાના ગુમ થયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવ્યા બાદ પિતા માટે ચિંતિત બનેલા પુત્ર આખરે પોતાના જ પિતાનો હત્યારો નીકળ્યો હતો. પાંડેસરા વિસ્તારમાંથી ચાર દિવસ અગાઉ શંકાસ્પદ હાલતમાં ગુમ થયેલા વૃદ્ધની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ગુમ થયેલા 74 વર્ષીય પ્રહલાદ ભાઈને શોધવા માટે પોલીસે જ્યારે ચક્રો ગતિમાન કર્યા ત્યારે પોલીસ પણ મળનાર હકીકતોથી સન્ન રહી ગઇ હતી.
પોલીસની તપાસ જેમજેમ આગળ વધતી ગઈ અને પુત્ર જીતેશના નિવેદનોના આધારે મહત્વપૂર્ણ પુરાવા મળતા ગયા અને આખરે જીતેશે જે જગ્યાએ પોતાના પિતાના ગુમ થયા હોવાની વાત પોલીસને જણાવી હતી તે સ્થળના CCTV ફૂટેજની તપાસ કરતા જાણવા મળ્યું કે, પ્રહલાદ પોતાના જ પુત્રના પ્લાસ્ટિકના દાણા બનાવતા કારખાનામાં સંજય નામના ઇસમ સાથે ગયો હતો. પોલીસે જ્યારે જીતેશ અને સંજયની પૂછપરછ શરૂ કરી ત્યારે બન્નેએ પ્રહલાદની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે જીતેશે પોલીસને જણાવ્યું હતું કે, ધંધામાં નુકસાન થવાના કારણે પિતા સાથે વિવાદ ચાલી રહ્યો હતો જેથી તેણે પિતાની હત્યા કરવાની સોપારી આપી હતી.
પ્રહલાદની હત્યા માટે ચાર મહિના અગાઉ વેપારી પુત્રે સંજય તુકારામ અને સલીમ નામના ઈસમોને રૂપિયા 10 લાખની સોપારી આપી હતી. પિતા પ્રહલાદ ધંધામાં થઈ રહેલા નુકસાનને લઈ જીતેશથી ખૂબ જ નારાજ હતા. જેથી બન્ને વચ્ચે આ મુદ્દે વિવાદ વધી ગયો હતો. વિવાદના કારણે જીતેશે પિતાની હત્યાનું કાવતરું રચ્યું હતું. જે પિતાના ખોળામાં દુનિયાદારી શીખી વેપાર શીખ્યો તેણે જ ધંધાના નાણાકીય મુદ્દે પિતાની હત્યા કરાવી હતી. જો કે, ખાતું ખોલવા માટે પિતા પાસે રહેલા રૂપિયાથી દેવું ભરપાઈ થઈ જશે તે વાતને લઇ પિતાને મોતને ઘાટ ઉતારી કારખાનાની અંદર જ પિતાના મૃતદેહને દફનાવી દીધો હતો. જે હકીકત પોલીસ તપાસમાં બહાર આવતા હત્યારા પુત્ર સહિત સંજય અને સલીમને સાથે રાખી દાટેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ પ્રહલાદ ભાઈને માથા અને છાતીના ભાગે પાવડાથી વાર કર્યા હતા. જેથી તેમનું મોત ઘટનાસ્થળે થઇ ગયું હતું. જે બાદ આરોપીઓએ તેમના મૃતદેહને દફનાવી દીધા હતા. પિતાની હત્યાની જાણ થયા બાદ જીતેશ કારખાને આવ્યો અને બન્નેને કામના બદલે રૂપિયા 5 હજાર આપી 10 લાખ 4-5 દિવસમાં આપવાની ખાતરી આપી હતી. પોલીસે પુત્રના ષડયંત્રનો પર્દાફાશ કરી તેની અને સોપારી લેનારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.