સુરત: શહેરમાં પાણી-મચ્છરજન્ય બીમારી વકરી રહ્યી છે. શહેરના ભેસ્તાન ઉનપાટીયા વિસ્તારમાં આવેલ બિસ્મીલા નગરમાં રહેતા 28 વર્ષીય સમરીન મેરાઝ શેખ જેઓનું તાવના કારણે મોત થઇ ગયું છે. છેલ્લા બે દિવસથી પરણીતાને તાવ આવી રહ્યો હતો. જોકે તેઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેમની તબિયત લથડતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ આવતા ફરજ પરના ડોકટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. આજે રક્ષાબંધનના દિવસે બહેનના મોતથી ભાઈ નઝીમ શેખ સહિત પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
"મારી બહેને બે દિવસ તાવ આવી રહ્યો હતો. તેમને મલેરિયા પણ થઇ ગયું હતું. જેથી અમે સૌ પ્રથમ વખત પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ ગયા હતા. તેમની તબિયત વધારે ખરાબ થઇ ગઈ હતી. આજે રક્ષાબંધન છે. આજે મારી બહેન રહી નથી. મારી બહેનના દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા."--નઝીમ શેખ (મૃતક સમરીનનો ભાઈ)
37 વ્યક્તિ મોતને ભેટ્યા: શહેરમાં છેલ્લા લાંબા સમયથી ડેન્ગ્યુ, ઝાડા-ઉલ્ટી, તાવ, મલેરીયા, કોલેરા સહિતની બિમારીમાં દર્દીઓ સપડાઇ રહ્યા છે. જેથી લોકો સારવાર માટે નવી સિવિલ, સ્મીમેર અને ખાનગી હોસ્પિટલ, દવાખાનામાં જઈ રહ્યા છે. આ સિઝનમાં અત્યાર સુધી બિમારીમાં 14 બાળકો સહિત 37 વ્યક્તિ મોતને ભેટ્યા છે. જોકે આ તમામ મોત ખાસ કરીને શહેરના પાંડેસરા, ડિંડોલી, ભેસ્તાન, સચીન જીઆઈડીસી, વિસ્તારમાં પાણી-મચ્છરજન્ય બીમારી વકરી રહ્યો છે. જ્યાં મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો કાબુમાં લેવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.