સુરત: કોરોના વાઈરસના ડરને કારણે કોરોનાગ્રસ્ત દર્દીની માનસિક સ્થિતિમાં પરિવર્તન આવતું હોય છે. ઘણીવાર કોરોનાની બિમારી કરતાં તેનો અદ્રશ્ય ડર દર્દીઓને પરેશાન કરતો હોય છે. જેથી સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના તબીબોએ દર્દીઓને અવનવી આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ કરાવી તેમના દુ:ખને હળવું કરવાના સતત પ્રયત્નો કરવામાં આવે છે, જે દર્દીના માનસમાં હકારાત્મક ઊર્જા ભરવાના પ્રયાસો થકી દર્દીને ઝડપભેર સ્વસ્થ થવામાં પણ સહાયક બને છે.
સામાન્ય રીતે કોરોના સંક્રમિત દર્દીઓને ઓક્સિજનની માત્રા ઘટવાના કારણે શ્વાસોચ્છવાસમાં તકલીફ પડતી હોય છે. આવી સ્થિતિમાં દર્દીઓને મુશ્કેલી અનુભવાતી હોય છે. સ્મીમેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ડો. નૈમેષ શાહે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ‘માસ પ્રોનિંગ’નો અનોખો પ્રયોગ કર્યો છે. માસ એટલે સામૂહિક અને પ્રોનિંગ એટલે જાગૃત અવસ્થામાં દર્દીએ પોતાના જ બેડ પર ઊંધા સૂઈ જવાથી ફેફસાને ઓક્સિજન પૂરતો મળે તે માટે કરવામાં આવતી ક્રિયા. કોરોનાનું ઇન્ફેકશન થવાથી આપણા ફેફસામાં ન્યુમોનિયા થાય છે. જેના લીધે ફેફસામાં પાણીના ભરાવા સાથે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવા લાગે છે. તેને તબીબી ભાષામાં હાયપોક્સિયા કહે છે. આ હાયપોક્સિયા થવાથી દર્દીના શરીર અને મગજ પર તેની વિપરીત અસર થતી જોવા મળે છે. આ હાયપોક્સિયાની સારવાર માટે પર્યાપ્ત ઓક્સિજનની જરૂર પડે છે.
સુરત સ્મીમેર પ્લસ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં દાખલ દરેક દર્દીઓ પર આ નવતર પ્રયોગના ઘણા સારા પરિણામો ટુંકા સમયમાં મળ્યા છે. માસ પ્રોનિંગમાં દર્દીએ પોતાના બેડ પર ઊંધા સુઇ રહેવાનું કહેવામાં આવે છે. તેનાથી દર્દીને બાયપેપ અને ઈમ્યુઝી વેન્ટિલેટરની જરૂરીયાત નિવારી શકાય છે, અથવા તેને ડિલે કરી શકાય છે.
માસ પ્રોનિંગથી અત્યાર સુધીમાં 500 થી વધારે દર્દીઓને સારવાર કરીને સાજા થઈ ઘરે મોકલ્યા હોવાનું ડો.શાહ જણાવે છે. કોઈ પણ દર્દી દ્વારા પોતાના ઘરે દિવસમાં 6 થી 8 કલાક સુધી પ્રોનિંગ કરવાથી ઓક્સિજનની સમસ્યા ઝડપથી નિવારી શકાય અને તેના સ્વાસ્થ્યમાં ઝડપથી રિકવરી આવે છે. પ્રોનિંગ સામાન્ય રીતે વેન્ટિલેટર વગર વેન્ટિલેટરની જરૂરિયાત પૂરી પાડે છે. આમ આ પ્રયોગથી દર્દી માનસિક રીતે મજબૂત બને છે. સ્મીમેરના દર્દીઓ પણ માસ પ્રોનિંગને આવકારી રહ્યા છે.