સુરત: લિંબાયત વિસ્તારમા રહેતા ભરતભાઇ મિસ્ત્રી છેલ્લા 11 વર્ષથી ગોડાદરા વિસ્તારમા આવેલા સીએનજી પંપ પર નોકરી કરે છે. તેઓ રોજ બપોરના સમયે પંપ પર આવેલ રોકડ જમા કરાવવા સુટેક્ષ બેંકમા જતા હોય છે. સોમવારે પણ તેઓ પોતાની રોકડ ભરવા માટે બેંકમા જવા બાઇક પર નીકળ્યા હતા.
દરમિયાન ગોડાદરાથી મહારાણા પ્રતાપ ચોક વચ્ચેના રોડ પર ચાર અજાણ્યા શખ્સો બાઇક પર આવી તેમને અટકાવ્યા હતા. તેમણે ભરતભાઈને તિક્ષ્ણ હથિયાર બતાવી રુ 5.27 લાખની લૂંટ ચલાવીને ભાગી છૂટયા હતા. આ ઘટના બાદ મેનેજરે બૂમાબૂમ કરતાં સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા.
બનાવની જાણ થતા જ ઉપરી અધિકારી તથા લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે મેનેજરની પુછપરછ હાથ ધરી આસપાસના સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી હતી. જે રીતે લૂંટની ઘટનાને અંજામ આપવામા આવી છે તેને જોતા કોઇ જાણ ભેદુ દ્વારા જ લૂંટને અંજામ અપાયો હોવાની શકયતા છે. ત્યારે જોવાનુ એ રહ્યુ કે પોલીસ આરોપી સુધી કયારે પહોચી તેઓને જેલના સળિયા પાછળ ધકેલે છે.