નવસારીના મેઘાભાટમાં ગળાડૂબ સુધીના પાણીમાં તમામ મજૂરો છેલ્લા બે દિવસથી ફસાયેલા હતા, જોકે જે પ્રમાણેની સ્થિતિ સર્જાઇ છે, તેને લઇ તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ત્યાં ફસાયેલા લોકોએ હેલિકોપ્ટરને જોતા હાથ ઉંચો કરી મદદ માટે પુકાર લગાવી હતી. મહિલાઓ તેમજ પરિવારના સભ્યો પોતાના માસૂમ બાળકો જોડે ભાટ ગામમાં છેલ્લા બે દિવસથી ફસાયેલા હતા.
ભાટ ગામમાં ઝીંગા તળાવ પર કામ કરતા અને ભૂખ્યા-તરસ્યા મજૂરો ફસાયેલા છે ,તેવી જાણ તંત્રને થતાં તાત્કાલિક હેલિકોપટર મારફતે રેસ્ક્યુ કરી સુરત એરપોર્ટ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. જ્યાં તંત્ર દ્વારા ભૂખ્યા-તરસ્યા તમામ મજૂરોને ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
સુરત જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ આ તમામ લોકોને હવે બસ મારફતે નવસારી ખાતે સલામત સ્થળે ખસેડવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. જેને લઈ કલેક્ટરના આદેશ મુજબ મામલતદાર સુરત એરપોર્ટ ખાતે આવી પોહચ્યા હતા અને બસની વ્યવસ્થા કરી હતી તથા કલેકટરના આદેશ પ્રમાણે તમામને ફરી નવસારી ખાતે સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.