સુરત: સુરતની બાર વર્ષીય આખ્સાહે પરમારે રિલાયન્સ જી-વન કપ અન્ડર 15 ઇન્ટરનેશનલ વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધુંઆધાર બેટિંગના કારણે ગુજરાતની ટીમને વિજય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હાલ ગ્વાલિયરમાં ચાલી રહેલી ટુર્નામેન્ટમાં સૌની નજર સુરતની આખ્સાહે પરમાર ઉપર સૌની નજર છે કે જેણે પોતાની ડેબ્યૂ મેચમાં ગોવાની સામે માત્ર 115 બોલમાં 154 રન બનાવીને લોકોને અચંબિત કરી દીધા છે.
બોલિંગમાં પણ માહિર : એટલું જ નહીં આખ્સાહે બેટિંગની સાથોસાથ તેણે આ જ મેચમાં બે મહત્વની વિકેટ પણ લીધી છે. માત્ર ગોવા સામે જ નહીં પરંતુ તેણે સૌરાષ્ટ્રની ટીમ સામે પણ 20 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારી માત્ર 81 બોલમાં 124 રન બનાવી લોકોને અચંબિત કરી દીધા હતાં.
અંડર 19માં સંભવિત ક્રિકેટર તરીકે પસંદગી : આખ્સાહે પરમારને તેના અદભુત પર્ફોર્મન્સના કારણે પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડ પણ મળ્યા છે. આખ્સાહે ધોરણ આઠમાં ભણે છે અને માત્ર છ વર્ષની ઉંમરથી જ હોકી રમવાનું શરૂ કર્યું હતું. પરંતુ ટીવીમાં ક્રિકેટ મેચ જોઈ તેને ક્રિકેટ રમવામાં રસ પડ્યો હતો. ત્યારથી જ તેણે ક્રિકેટ રમવાની શરૂઆત કરી. માતાપિતા એ પણ તેની રુચિ જોઈ તેને પર્સનલ કોચિંગ આપવાનો નિર્ણય કર્યો.
હોકીની રમતમાં શાનદાર પ્રદર્શન : આખ્સાહે માત્ર ક્રિકેટમાં જ નહીં પરંતુ ખેલ મહાકુંભમાં પણ હોકીની રમતમાં શાનદાર પ્રદર્શન કરી ચૂકી છે. માત્ર 12 વર્ષની ઉંમરમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન અંડર 19 માં સંભવિત ક્રિકેટર તરીકે પસંદગી પામી છે.
હરપ્રીતકૌરને ટીવીમાં જોઈ ક્રિકેટ મેચ રમવાની શરૂઆત : આખ્સાહેના પિતા સોરન્સ DGVCL માં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ છે. તેઓએ ઈટીવી ભારત સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, અમે ગ્વાલિયર છીએ. આખ્સાહેના શાનદાર પ્રદર્શનથી અમે ખૂબ જ આનંદિત છીએ, જ્યારે તે છ વર્ષની હતી ત્યારે તેને હોકી રમવાનું ખૂબ જ પસંદ હતું. પરંતુ મહિલા ક્રિકેટ ટીમ અને તેમાં પણ ખાસ કરીને હરપ્રીતકૌરને ટીવીમાં જોઈ તેને ક્રિકેટ મેચ રમવાની શરૂઆત કરી. તેના શાનદાર પ્રદર્શનથી તમામ ટીમો તેની પ્રશંસા કરી રહીં છે. બે ટીમો સામે શાનદાર શતક તેણે બનાવ્યા છે.
ટી 20 વુમન્સ વર્લ્ડ કપમાં જાય તેવી ઈચ્છા : સાથે તેઓએ જણાવ્યું હતું કે આખ્સાહે અમદાવાદ ખાતે નવ દિવસના સઘન તાલીમ કેમ્પમાં પણ ટ્રેનિંગ લીધી હતી અને ત્રીજા જ દિવસે તે રિલાયન્સ જી-વન ઇન્ટરનેશનલ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં સિલેક્ટરોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. અભ્યાસની સાથે સાથે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ચાલી રહેલ કાપ્સ એકેડમીમાં પણ તાલીમ લઈ રહી છે. તેની અને અમારી ઈચ્છા છે કે તે આઈસીસી વર્લ્ડ કપમાં ભારત વતી રમે. તે 14 થી 15 કલાક અભ્યાસ ક્રિકેટ પ્રેક્ટિસ સહિત અન્ય શોખને પૂર્ણ કરે છે.