સુરત: અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભાવિ ભક્તોને દર્શન આપવા માટે રથ પર સવાર થઈ નગર ચર્ચા કરશે. આ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરત વરાછા ખાતે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા ગુજરાતનો સૌથી મોટો રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે રીતે રોડ પર ઈલેક્ટ્રીક વાહન જોવા મળે છે. તે જ ટેકનિક થી આ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ટ્રકના નીચેના ભાગને વાપરી તેની ઉપર રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક છે.
ગુજરાતમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર: આ રથ છેલ્લા આઠ મહિનાથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રથ અગાઉ વડોદરા ખાતે તૈયાર કરવામાં આવી રહ્યો હતો. પરંતુ તેનું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયા બાદ તેને સુરત લાવવામાં આવ્યો છે અને હાલ તેના રંગરોગાનનું કામ ચાલુ છે. આખા ગુજરાતમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર ધરાવતો આ રથ છે. કારણ કે આ ઈલેક્ટ્રીક વાહનની જેમ રોડ પર થી પસાર થશે. તેમાં લાકડાની સાથે સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમાન્ય રથની જેમ જ આ રથમાં પૈડાં જોવા પણ મળશે.
રથથી વિશેષતા: વરાછા ઇસ્કોન મંદિરમાં સેવા આપનાર હરી મોરારીદાસે જણાવ્યું હતું કે, અષાઢી બીજના દિવસે રથયાત્રા કાઢવામાં આવશે. ગુજરાત ભરમાં આ રથ આકર્ષણનું કેન્દ્ર છે. કારણ કે આ રથ ગુજરાતનો સૌથી મોટ રથ છે. જેની ઊંચાઈ 33 ફૂટ છે. લંબાઈ 27 ફૂટ પહોળાઈ 17 ફૂટ છે. હાલ જે આ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે તે ખૂબ જ આધુનિક અને સમય પ્રમાણે છે. મોટા ટ્રકના નીચેના ભાગ જે હાઇડ્રોલિક પાર્ટ હોય છે તેને લઈ તેની ઉપર આખી સિસ્ટમ અપલોડ કરવામાં આવી છે.
રથયાત્રા કુલ 11 કિલોમીટરની હશે: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રથ ને ચલાવવા માટે એક ડ્રાઇવિંગ સ્ટેન્ડ પણ છે. રથને ભક્તો ચલાવશે. આ માટે તમામ પ્રકારની સુવિધા રથમાં જોવા મળશે. જે રીતે ઈલેક્ટ્રીક ગાડીમાં જે સિસ્ટમ હોય છે, તે જ રીતે આ સિસ્ટમ અમે રથમાં તૈયાર કરી છે. રથયાત્રા કુલ 11 કિલોમીટરની હશે. જે સુરત વરાછા મીનીબજારથી પ્રારંભ થશે અને સરથાણા જકાતનાકા સુધી જશે.