- મુંબઇથી નીકળેલી મિટ્ટી સત્યાગ્રહયાત્રા પણ બારડોલી આવી
- મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા
- શંકરસિંહ વાઘેલાએ રાકેશ ટિકૈતના કાર્યક્રમની રૂપરેખા આપી
સુરત: ત્રણ કૃષિ કાયદાના વિરુદ્ધમાં મિટ્ટી સત્યાગ્રહયાત્રા મંગળવારના રોજ બારડોલી પહોંચી હતી. જ્યાં ખેડૂતોએ પોતપોતાના ગામની માટી આપી હતી. આ માટીથી દિલ્હીમાં ખેડૂત શહીદ સ્મારક બનાવવામાં આવશે. બીજી તરફ 5 એપ્રિલના રોજ ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈત બારડોલી આવવાના હોવાથી તેના આયોજનના ભાગ રૂપે શંકરસિંહ વાઘેલા બારડોલી આવ્યા હતા અને તેમણે ખેડૂતો સાથે બેઠક કરી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
ગામે ગામથી માટી ભેગી કરી દિલ્હીમાં શહીદ સ્મારક બનાવાશે
ખેડૂત આંદોલન ગુજરાતમાં પણ સક્રિય થાય તે માટેના પ્રયાસો શરૂ કરી દેવમાં આવ્યા છે. મુંબઈથી નીકળેલી મિટ્ટી સત્યાગ્રહયાત્રા મંગળવારના રોજ દાંડીથી બારડોલી પહોંચી હતી. આ યાત્રામાં ગામે ગામથી માટી એકત્રિત કરવામાં આવી રહી છે. જે માટીથી દિલ્હીમાં આંદોલન સમયે 315 ખેડૂતો શહીદ થયા હતા તેની સ્મૃતિમાં શહીદ સ્મારક બનાવવામાં આવશે. આ અંગે મિટ્ટી સત્યાગ્રહ યાત્રામાં આવેલા યાત્રીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી કાયદા રદ્દ નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રાખીશું. તેમણે કહ્યું કે ગુજરાતમાં લોકતંત્રની હત્યા થઈ રહી છે.
આ પણ વાંચોઃ બારડોલી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી
ગુજરાતના સરકારી અધિકારીઓ ભાજપના કાર્યકર્તાની જેમ વર્તે છે
આ પ્રસંગે 5 એપ્રિલના રોજ ખેડૂત નેતા રાકેશ ટિકૈત બારડોલી આવવાના હોવાથી તેના આયોજનના ભાગ રૂપે બારડોલીના ઐતિહાસિક આંબા ખાતે શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામે ગામથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપના ગીરવે મૂકાય ગયું છે. સરકારી અધિકારીઓ પણ ભાજપના કાર્યકર્તા હોય તેમ વર્તી રહ્યા છે. તેમણે ખેડૂતોને મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાવવા અપીલ કરી હતી. ગુજરાતમાં પણ ભાજપ વિરોધી માહોલ છે તે બતાવવા માટે આ સમગ્ર કાર્યક્રમ યોજાય રહ્યો હોવાનું જણાવ્યું હતું. જો કાયદા બનાવવાનો એમને અધિકાર છે તો આપણને તેનો વિરોધ કરવાનો પણ અધિકાર છે.
રાકેશ ટિકૈત 2 દિવસના ગુજરાત પ્રવાસે
તેમણે રાકેશ ટિકૈતના ગુજરાત આગમનના કાર્યક્રમની રૂપરેખા આપી હતી. 4 એપ્રિલે રાકેશ ટિકૈત રાજસ્થાનથી અંબાજી પહોંચશે જ્યાં માતાજીના દર્શન બાદ પાલનપુરમાં ખેડૂતો સાથે જાહેર સભા કરશે. સભામાં કોઈ સ્ટેજ કે મંડપ નહીં હોવાથી ગાડીમાંથી જ સભાને સંબોધન કરશે. ત્યારબાદ તે ઊંઝા ઉમિયા માતાના દર્શન બાદ અમદાવાદમાં રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે સવારે 7 કલાકે તે બારડોલી આવવા રવાના થશે અને બપોરે 3 કલાકે તે બારડોલી આવી પહોંચશે.
આ પણ વાંચોઃ બારડોલી નગરપાલિકામાં સરેરાશ 64.30 ટકા મતદાન થયું