10મી ઓક્ટોબર એટલે કે આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેશે. ત્યાર બાદ 11મી ઓક્ટોબર એટલે કે આવતીકાલે રાહુલ ગાંધી અમદાવાદ કોર્ટમાં હાજરી આપશે. અમિત ચાવડાએ રાહુલ ગાંધી વિશે વાત કરતા જણાવ્યું હતુ કે, "રાહુલ ગાંધીનો અવાજ દબાવવા ખોટો કેસ કર્યો છે. ખોટા કેસ કરવા હોય એટલા કરો કોંગ્રેસ લડતી રહેશે. કોંગ્રેસના લોકોને હેરાન કરવામાં આવે છે. અલગ અલગ કેસ કરી પરેશાન કરી રહ્યા છે. મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે લડી દેશને આઝાદ કર્યા હતાં. કોંગ્રેસ તેવી જ રીતે અંગ્રેજો જેવા શાસકો સામે લડી દેશને બીજી વખત આઝાદ કરાવશે."
અમિત ચાવડાના જણાવ્યાં પ્રમાણે, રાહુલ ગાંધી સવારે 10 કલાકે આવશે, ત્યાર બાદ રસ્તામાં 4 જેટલા પોઇન્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવશે. 10.40 કલાકે સુરત કોર્ટ ખાતે પહોંચશે. કોર્ટથી એરપોર્ટ પહોંચી દિલ્હી માટે રવાના થશે, ત્યાર બાદ બીજા દિવસે દિલ્હીથી અમદાવાદની કોર્ટમાં ફરી હાજરી આપવા આવશે.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટક ખાતે એક સભામાં "મોદી નામના બધા વ્યક્તિ ચોર છે. આ નિવેદનને લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ સમસ્ત ગુજરાતના મોદી સમાજ દ્વારા સુરત ચીફ જયુડી.મેજી.ની કોર્ટમાં અરજી કરી હતી. અરજીના અનુસંધાને આજે કોર્ટે રાહુુુલ ગાંધીને સમન્સની બજવણી સ્પીકર થકી કરી હતી. મોદી સમાજ દ્વારા સુરત કોર્ટમાં રાહુલ વિરુદ્ધ IPC કલમ 499, 500 હેઠળ બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકમાં મોદી અટકને લઈને કરવામાં આવેલા નિવેદનને લઈને સુરત કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જો કોર્ટમાં સાબિત થાય કે રાહુલ ગાંધી બદનક્ષી કરી છે તો તેની ઉપર ક્રિમિનલ કેસ થઈ શકે અને ગુનો સાબિત થાય તો બે વર્ષની સજાની જોગવાઈ છે.