બંગાળની ખાડીમાં રચાયેલા લો પ્રેશરને લીધે ફાની વાવાઝોડાનું નિર્માણ પામ્યું હતું. ફાનીએઓડિશામાં ભારે તારાજી સર્જી હતી. આ વાવાઝોડાની સીધી અસર સુરત શહેર પર નથી જોવા મળતી, પરંતુ સુરતના કાપડ ઉદ્યોગ પર તેની આડકતરી અસર વર્તાય રહી છે. સુરતમાંથી દરરોજ 30 જેટલા ટ્રકો ઓડિશાના વિવિધ શહેરોમાં કાપડ લઈને જાય છે, જેમાં એક ટ્રકમાં આશરે 60 થી 70 લાખ રૂપિયાનું કાપડ હોય છે. ફાની વાવાઝોડાને પગલે સુરતથી કાપડ લઈને જતી ટ્રકો અટકી પડી છે, તેટલુ જ નહીં પણ જે ટ્રકો રવાના થઈ ગઈ હતી એ પણ પરત આવી રહી છે. જેથી આવા સંજોગોમાં ઓડિશાના અલગ અલગ શહેરોમાંથી કાપડના વેપારીઓ દ્વારા આપવામાં આવેલા ઓર્ડરો પણ રદ થઈ રહ્યા છે.
સુરતના 2000 કરતા પણ વધુ વેપારીઓના ઓર્ડર કેન્સલ થતાં કાપડ ઉદ્યોગને કરોડો રૂપિયાની ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. આગામી દિવસોમાં ઓરિસ્સાની પરિસ્થિતિ પૂર્વવ્રત થાય અને ફરી નવા ઓર્ડર મળવાની શરૂઆત થાય તેની રાહ સુરતના કાપડ વેપારીઓ જોઈ રહ્યા છે.