હોંગકોંગમાં આંદોલનકારીઓના ક્રાંતિકારી પગલાને કારણે ચીન અને હોંગકોંગમાં અસ્થિરતાની સ્થિતિ ઉભી થઈ છે, જેના કારણે હીરાના વેપારને બહું મોટો ફટકો પડયો છે. સુરતના વેપારીઓને આશા હતી કે, ક્રિસમસ આવતા મંદીના મારમાંથી પસાર થઇ રહેલા ઉદ્યોગને નવી રોનક મળશે, પરંતુ આંદોલનના કારણે નાના ઉદ્યોગકારો જાણે નિર્જીવ થઈ ગયા છે. ખાસ કરીને સુરતથી હોંગકોંગ અને ચાઇના જતા પોલિશ્ડ ડાયમંડની ખરીદી ઉપર બ્રેક લાગી ગઈ છે. અમેરિકા પછી સુરતથી ચાઇના અને હોંગકોંગમાં સૌથી વધુ પોલીસ ડાયમંડનો વેપાર કરવામાં આવે છે. આશરે 45 ટકા વેપાર સુરતથી ચાઇના અને હોંગકોંગમાં થાય છે. છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા આંદોલનના કારણે એરપોર્ટ અને ત્યાંના ઉદ્યોગો બંધ રહેતા નિકાસ 15 થી 20 ટકા થઈ ગયું છે.
સુરત માટે હોંગકોંગ અને ચાઇના એક મોટું માર્કેટ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા આંદોલનના કારણે એરપોર્ટ પર જ કેટલોક માલ ફ્રીઝ થઈ ગયો છે. દિવાળી પહેલાથી હીરા ઉદ્યોગની સ્થિતિ સારી નહોતી દિવાળીના સમયે પણ ખરીદી અપેક્ષા કરતા ઓછી થઈ હતી. વેપારીઓને આશા હતી કે, અમેરિકા અને ચાઇના સહિત હોંગકોંગમાં આ વખતે ક્રિસમસને લઈને ખરીદી સારી રહેશે, પરંતુ વેપારીઓની આશા પર પાણી ફરી વળ્યુ છે. દિવાળી વેકેશન પછી પણ નાનાથી મોટા 50 ટકા ડાયમંડ યુનિટ ડિમાન્ડ ન હોવાના કારણે અત્યાર સુધી ખૂલ્યા જ નથી.
ક્રિસમસની ખરીદી નવેમ્બર મહિનામાં જ નીકળતી હોય છે અને અત્યારે આ મહિનામાં હીરાનો વેપાર સખળ-ડખળ થયો છે. જેથી ઉદ્યોગકારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.